શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના દ્વિદશાબ્દી મહોત્સવનો પ્રારંભ
વેરાવળ, 11 ફેબ્રુઆરી, 2026 – Shri Somnath Sanskrit University શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે અત્રેની યુનિવર્સિટીની ૨૦ વર્ષની શૈક્ષણિક અને પ્રાશાસનિક યાત્રાની સ્મૃતિ માટે દ્વિદશાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૧-૦૨-૨૦૨૬, બુધવારે સવારે ૧૧:૦૦ કલાકે યુનિવર્સિટી પરિસરમાં અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિના અધ્યક્ષસ્થાને યોજાયો. આ પ્રસંગે ઉદ્ઘાટક એવા ડૉ. માધવપ્રિય દાસ સ્વામીએ વીડિયો સંદેશ થકી પરોક્ષ રીતે સૌને રીતે આશીર્વચન પાઠવ્યાં.
આ અવસરે મંચસ્થ મહાનુભાવોના હસ્તે ડૉ.ડી.એમ. મોકરીયા અને ડૉ. જિગર એમ. ભટ્ટ દ્વારા સંપાદિત “संस्कृतसाहित्ये गुजरातस्य योगदानम्”, પ્રો.વિનોદ કુમાર ઝા અને ડૉ. જિગર એમ. ભટ્ટ દ્વારા સંપાદિત “व्याख्यार्थज्योति: -६” એમ બે ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું.

દ્વિદશાબ્દી મહોત્સવમાં યુનિવર્સિટીના પૂર્વકુલપતિઓના સ્વાગત-સન્માન માટે કુલપતિસપર્યા કાર્યક્રમ તા.૧૧-૦૨-૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી પરિસર ખાતે યોજાયો. આ કુલપતિસપર્યા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ અને અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરા આમંત્રકરૂપે ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે વિશિષ્ટ-અતિથિ એવાં અત્રેની યુનિવર્સિટીના પૂર્વ કુલપતિઓ ડૉ.પંકજ એલ. જાની, ‘પદ્મશ્રી’ પ્રો.વેમ્પટિ કુટુમ્બ શાસ્ત્રી, પ્રો.અર્કનાથ ચૌધરી અને પ્રો.ગોપબંધુ મિશ્રનું ભાવ અને શ્રદ્ધાપૂર્વક સન્માન કરવામાં આવ્યું. સન્માન પ્રાપ્ત કરનાર પૂર્વ કુલપતિઓએ કહ્યું કે યુનિવર્સિટી પરિવારે તેઓનું સપરિવાર સન્માન કર્યું તે બદલ ધન્યતા અનુભવી.
મુખ્ય અતિથિ એવા કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, દિલ્હીના કુલપતિ પ્રો. શ્રી નિવાસ વરખેડીએ સૌપ્રથમ આ ઉત્તમ આયોજન બદલ અભિનંદન પાઠવ્યાં. “पूर्णता गौरवाय” સૂત્ર આ યુનિવર્સિટીએ ખરા અર્થમાં સાબિત કર્યું. પૂર્ણતા કરતાં પૂર્ણતાની યાત્રામાં વિશેષ આનંદ છે તેમ તેમણે કહ્યું. આગામી ૫૦ વર્ષ સુધી સમગ્ર વિશ્વમાં ભારતનું યુવાધન વિશ્વગુરુ બની રહેશે. સંસ્કૃતની સાથે સાથે પાલી, પ્રાકૃત, અપભ્રંશ સહિત ભારતીય ભાષાઓનો સાવત્રિક વિકાસ કરવો એ આપણું સામ્પ્રત લક્ષ્ય હોવું જોઈએ.
વિશિષ્ટ અતિથિ અને પૂર્વ કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્રએ પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૧ દરમ્યાન તેમના કાર્યકાળમાં કોરોના જેવી વિપરીત પરિસ્થિતિમાં પણ યુનિવર્સિટી પરિવારના અથાક પ્રયત્નોથી UGC 12B અને NAAC A+ ગ્રેડ મળ્યો તે સોમનાથ ભગવાનની અસીમ કૃપાથી.

‘પદ્મશ્રી’ પ્રો. વેમ્પટિ કુટુમ્બ શાસ્ત્રી કહ્યું કે વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૫ દરમ્યાન તેમના કાર્યકાળમાં આવીને અત્રેના પરિસમાં સંસ્કૃતમય વાતાવરણ નિહાળી પ્રસન્નતા અનુભવી. તેમના સમયમાં મહત્વપૂર્ણ MoU, પ્રકાશનો, व्याक्यार्थपरिषद्, वाग्वर्धिनी જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સ્થાયી નિમણૂક દ્વારા પરિવારમાં અભિવૃદ્ધિ કરવામાં આવી.
પ્રો. અર્કનાથ ચૌધરીએ કહ્યું કે વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ દરમ્યાન તેમના કાર્યકાળમાં संस्कृतसाहित्ये शिवतत्त्वम् વિષયક આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી, व्याकरण परिभाषा વિષયક રાષ્ટ્રીય પરિસંવાદ અને 48th All India Oriental Conference (AIOC)નું સફળતાપૂર્વક આયોજન થયું.
ડૉ. પંકજ કુમાર જાની કહ્યું કે વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૨ દરમ્યાન તેમના કાર્યકાળમાં નવા શૈક્ષણિક અભ્યાસક્રમો, પ્રકાશનો, સેમિનાર, કોન્ફરન્સ અને સ્થાયી નિમણૂંક દ્વારા પરિસરમાં અભિવૃદ્ધિ કરવામાં આવી. આજના સમયમાં ભારતીય જ્ઞાન પરંપરા (IKS)ને આગળ વધારવાં આપણે સૌએ AI, ChatGPTમાં સંસ્કૃતની વિગત સંપાદિત કરવી પડશે એમ સૌને આહ્વાહન કર્યું.
संस्कृतश्री: સન્માન મેળવનાર એવા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ ઝાએ સંસ્કૃત કાવ્ય થકી સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવ્યું. તેમની આગવી વ્યંગ્ય શૈલીમાં ગુજરાતી કાવ્ય શૈલીમાં માતૃભાષાનું મહત્વ સમજાવ્યું.
આ પ્રસંગે અત્રેની યુનિવર્સિટીના કુલપતિ અને આ મહોત્સવના અધ્યક્ષ એવા પ્રો. સુકાંત કુમાર સેનાપતિએ ઉપસ્થિત સૌ પૂર્વ કુલપતિઓએ કરેલ ભગીરથ કાર્યોને બિરદાવી તેમની પ્રશંસા કરી. સરકાર તરફથી મળતી સહાયનો પણ ઉલ્લેખ કર્યો.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના નિદેશક પ્રો. વિનોદ કુમાર ઝાએ દ્વિદશાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોનો પરિચય કરાવ્યો. અત્રેની યુનિવર્સિટીની ૨૦ વર્ષની શૈક્ષણિક અને પ્રાશાસનિક યાત્રાનો વિગતવાર સચિત્ર પરિચય (PPT સહિત) યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કૉલેજના પ્રાચાર્ય ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાએ કરાવ્યો.
અંતે, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાએ સૌનો આભાર વ્યક્ત કર્યો.


