Site icon Revoi.in

બિહાર: ચકચારી ગોપાલ ખેમકા હત્યા કેસનો મુખ્ય શંકાસ્પદ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

Social Share

પટણાઃ ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા કેસનો મુખ્ય શંકાસ્પદ મોડી રાત્રે પટણાના દમરિયા ઘાટ વિસ્તારમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતા. અધિકારીઓએ જણાવ્યું કે શંકાસ્પદ વિકાસ ઉર્ફે રાજા (ઉ.વ.29) ઘણા અન્ય ગુનાહિત કેસોમાં વોન્ટેડ હતો. એક અધિકારીએ જણાવ્યું કે હત્યા કેસની તપાસ કરી રહેલી અધિકારીઓની ટીમ ગુપ્ત માહિતીના આધારે વિકાસની શોધમાં મોડી રાત્રે લગભગ 2.25 વાગ્યે દમરિયા ઘાટ પહોંચી હતી.

પોલીસ અધિકારીએ કહ્યું, “પોલીસ કર્મચારીઓને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો અને ગોળીબાર પણ કર્યો હતો. અધિકારીઓએ કરેલી જવાબી કાર્યવાહીમાં તે ઠાર મરાયો હતો.” તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈ પોલીસ કર્મચારી ઘાયલ થયો નથી. અધિકારીએ કહ્યું કે સ્થળ પરથી પિસ્તોલ અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. “એવી શંકા છે કે વિકાસે ખેમકાની હત્યામાં વપરાયેલ હથિયાર પૂરું પાડ્યું હતું,” તેમ પણ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે ઉમેશ રાય નામના બંદૂકધારીની ધરપકડ કરી લીધી છે અને હત્યાને અંજામ આપવાના શંકાસ્પદ અન્ય એક વ્યક્તિની અટકાયત કરી છે. “ભાડે રાખેલા હત્યારાની પટનાથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તપાસ ચાલુ છે. અમે યોગ્ય સમયે વધુ વિગતો શેર કરીશું,” અધિકારીએ જણાવ્યું. શુક્રવારે સવારે પટનાના ગાંધી મેદાન વિસ્તારમાં ખેમકાની તેમના નિવાસસ્થાનની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સાત વર્ષ પહેલાં હાજીપુરમાં તેમના પુત્રની હત્યા કરવામાં આવી હતી.