Site icon Revoi.in

સુરતમાં આઉટર રિંગ રોડ પર ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દંપત્તીનું મોત

Social Share

સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતના બનાવમાં પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. શહેરના આઉટર રિંગ રોડ બાઈક વૃદ્ધ બાઈક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કરના પાછળના ટાયરમાં ઘૂસી બાઈકચાલક પતિ અને તેમના પત્ની લોહીલુહાણ થયાં હતાં.અને ઘટના સ્થળે બન્નેના મોત નિપજ્યા હતા. આ અંગે જાણ થતા અમરોલી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  મૂળ ભાવનગરના માન વિલાસ ગામના રહેવાસી અને હાલ સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતાં 60 વર્ષીય ભૂપતભાઈ લાલજીભાઈ ડુંગરાણી પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની, દીકરો, પુત્રવધુ અને પૌત્રી-પૌત્ર છે. ભૂપતભાઈના દીકરાને મિલિંદ ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન છે. ભૂપતભાઈ અને તેમના 58 વર્ષીય પત્ની ઉષાબેન બાઈક પર વરિયાવથી વેદાંત સર્કલ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન આઉટર રિંગ રોડ પર વેદાંત સર્કલ પાસે એક વિશાળ ટેન્કર પસાર થતાં ભૂપતભાઈએ બાઈકના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને સીધા ટેન્કરના પાછળના ટાયર સાથે અથડાયા હતા. ત્યારબાદ બંને રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજા થઈ હતી.

આ અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જોકે ઉષાબેનનું મોત થઈ ચુક્યું હતું, જ્યારે ભૂપતભાઈના થોડા શ્વાસ ચાલી રહ્યા હતા જેથી રાહદારીઓ દ્વારા 108ને બોલાવવામાં આવી હતી. જોકે, 108ના તબીબ દ્વારા ભૂપતભાઈને પણ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે પરિવારને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ સાથે જ પોલીસને પણ જાણ થતા અમરોલી પોલીસ સ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતમાં પરિવારે ઘરના બે વડીલને ગુમાવતા શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. હાલ તો આ મામલે ટેન્કરચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version