Site icon Revoi.in

રાજકોટમાં કણકોટ રોડ પર પૂરઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

Social Share

રાજકોટ, 1 એપ્રિલ 2026: Biker dies after being hit by speeding car  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના મવડી કણકોટ રોડ પર ગણેશ ચોક પાસે સર્જાયો હતો. જેમાં એક પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક સવાર આધેડને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ કારચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો, જેને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના પોલીસ સાથે બોલાચાલીનાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અકસ્માત સર્જનાર કાર પર APMC ચેરમેન લખેલું બોર્ડ જોવા મળ્યુ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ કાર રાજકોટ યાર્ડનાં ચેરમેન જયેશ બોધરાની હોવાનું ખુલ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા ફ્લોરા નેસ્ટમાં રહેતા 65 વર્ષીય સંજયભાઈ સવજીભાઈ કાલરીયા સવારે 8 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નિત્યક્રમ મુજબ બાઇક લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. સંજયભાઈ પાન હેલ્થ કેર કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ જ્યારે મવડી કણકોટ રોડ પર હીલસ્ટોન અરીસ્ટો પાસે આવેલા ગણેશ ચોક પાસેથી બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે સામેથી પૂર ઝડપે ધસી આવેલી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, સંજયભાઈ રોડ પર ફંગોળાયા હતા અને તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ તરત જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, અકસ્માત સર્જનાર કાર ચાલક માનવતા નેવે મૂકીને પોતાની કાર સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ગંભીર રીતે ઘાયલ સંજયભાઈને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.  પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલકને પકડવા માટે મવડી અને કણકોટ રોડ પરના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.

Exit mobile version