Site icon Revoi.in

અમદાવાદ-બગોદરા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત

Social Share

અમદાવાદ,3 મે 2026: Biker dies after being hit by unknown vehicle હાઈવે પર હીટ એન્ડ રનના બનાવો વધતા જાય છે ત્યારે અમદાવાદ-બગોદરા હાઈવે પર ટોલનાકા નજીક એક અજાણ્યા વાહને બાઈક સવારને જોરદાર ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહન સાથે ચાલક ફરાર થતા પોલીસે વાહનચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  મીઠાપુર ગામના રહેવાસી વિક્રમભાઈ ગોહેલ બાઈક લઈને અમદાવાદ-બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ટોલનાકા પાસે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકચાલક વિક્રમભાઈ રોડ પર પટકાયા હતા, અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા જ બગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ મીઠાપુર ગામના વિક્રમ ગોહેલ તરીકે થઈ હતી. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો.

 બગોદરા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે હાઈવે પરના અને ટોલનાકાના સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મીઠાપુર ગામમાં અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

Exit mobile version