સુરત, 28 જાન્યુઆરી 2026: શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ડિંડોલી-ઉધના બ્રિજ પર સિટીબસ અને બાઈક વચ્ચે સર્જાયો હતો. સિટીબસને ઓવરટેક કરવા જતા બાઈકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સિટી બસના પાછળના વ્હીલ સાથે અથડાયુ હતું. જેમાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં બાઈકચાલક યુવકે પોલીસના દંડથી બચવા માટે ટોપી જેવું હાફ હેલ્મેટ પહેર્યું હતું, જે સમાન્ય રીતે બાંધકામ સાઈડ પર પહેરતા લોકો જોવા મળે છે, જે રોડ પર સુરક્ષાની દૃષ્ટિએ શૂન્ય સમાન છે. જ્યારે અસલી અકસ્માત સર્જાયો, ત્યારે આ પ્લાસ્ટિક જેવું નબળું હેલ્મેટ માથાને રક્ષણ આપવામાં સદંતર નિષ્ફળ રહ્યું અને યુવકે ઘટનાસ્થળે જ જીવ ગુમાવવો પડ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના ડિંડોલી-ઉધના બ્રિજ પર સિટી બસ આગળ ચાલી રહી હતી. બાઈકચાલક જીતેન્દ્ર મહાજન સિટી બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સીધી બસના પાછળના ભાગે ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈકચાલક બસના પાછળના ટાયર પાસે ફસાઈ ગયો હતો. ઓવરટેક કરવાની ઉતાવળ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન આ ભયાનક અકસ્માતનું કારણ બન્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યુ છે. મૃતકની ઓળખ 38 વર્ષીય જીતેન્દ્ર મહાજન તરીકે થઈ છે, જેઓ વ્યવસાયે રત્નકલાકાર હતા. અને દરરોજની જેમ આજે વહેલી સવારે પોતાની કંપનીમાં કામ પર જવા નીકળ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અકસ્માતના બનાવમાં બાઈકચાલકે હલકી કક્ષાનું આઈએસઆઈ વિનાનું હેલ્મેટ પહેર્યુ હતું. જે હેલ્મેટ બાઈકચાલકનું રક્ષણ કરી શક્યુ નહતું. હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેનો કોઈ લાભ ન મળ્યો, કારણ કે તે ગુણવત્તાના ધોરણો પર ખરું ઉતરતું નહોતું. એક મધ્યમવર્ગીય રત્નકલાકારના અકાળે અવસાનથી તેમના પરિવારમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.

