Site icon Revoi.in

વડોદરા-ડભોઈ રોડ પર ટ્રક-બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત

Social Share

વડોદરા, 4 ફેબ્રુઆરી 2026:  જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ડભોઈ-વડોદરા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. ડભોઇ – વડોદરા રોડ પર ટ્રકના પાછળના ટાયર સાથે પૂર ઝડપે બાઈક અથડાતા બાઇકચાલક યુવકને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે ડભોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વડોદરા-ડભોઈ રોડ પર ટ્રક પાછળ પૂરફાટ ઝડપે આવી રહેલા બાઈકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક ટ્રકના પાછળના વ્હીલ સાથે અથડાયું હતું. જેમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બાઈકચાલક પલાસવાડા ગામનો હોવાનું જાણવા મળ્યુ છે. બાઈકચાલક યુવક ખેતી કામ પતાવી વડોદરા જતો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. મૃતક યુવકનું નામ વિરલ મહેન્દ્રભાઈ પટેલ( ઉંમર વર્ષ 42, રહે પલાસવાડા ડભોઇ) હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ. આ અકસ્માતને લઈ ડભોઇ વડોદરા રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. મૃતક યુવક રોડ પર હતો ત્યારે ગંભીર ઇજાઓને લઈ લોહી વહી રહ્યું હતું. યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે અકસ્માત સ્થળે જ યુવકે દમ તોડ્યો હતો.

આ મામલે ડભોઇ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version