અમદાવાદ, 2 જુન, 2026 : BJP high command brainstorms to select 4 Rajya Sabha candidates ગુજરાતના ક્વોટાની ખાલી પડેલી રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી આગામી તા.18મી જુનના રોજ યોજાશે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ગયો છે. અને ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8મી જુન છે. ગુજરાત વિધાનસભામાં ભાજપની પ્રચંડ બહુમતી હોવાથી તમામ બેઠકો પર ભાજપનો આસાનીથી વિજય થશે. હાલ ભાજપના હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા છે અને વિશ્વકર્મા પક્ષના મોવડી મંડળ સાથે બેસીને ચાર બેઠકો માટે સંભવિત નામો અંગે ચર્ચા કરી તા.7ના રોજ ભાજપના ઉમેદવારોના નામની જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે. 156 બેઠકો વિધાનસભા ચૂંટણીમાં જીત્યા બાદ વધુ છ બેઠકો પણ ભાજપે કબજે કરી છે. તેથી ભાજપ પાસે 16ર ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જયારે રાજયસભાના એક સભ્યને ચૂંટવા માટે ઓછામાં ઓછા 37 મતો જોઇએ છે.આમ ભાજપ પાસે તમામ ચાર ઉમેદવારો જીતી જાય તેટલા પુરતા મતો છે. જયારે કોંગ્રેસ પક્ષને હવે તેના સભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ નિવૃત થતા તેમના સ્થાને ઉમેદવાર જીતી શકે તેટલા મતો નથી, રાજ્યસભાના જે સભ્યો નિવૃત થઇ રહ્યા છે તેમાં રામભાઇ મોકરીયા જે રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિ કરે છે. તે ઉપરાંત રમીલાબેન બારા જેઓ બનાસકાંઠાના છે. નરહરિ અમીન મધ્ય ગુજરાતમાંથી આવે છે જયારે શકિતસિંહ ગોહિલના સ્થાને ભાજપ રાજયમાંથી વધુ એક ચહેરાને તક આપી શકે છે.
સૂત્રોના કહેવા મુજબ ભાજપ મોવડી મંડળ હવે રાજયની ચાર બેઠકોમાં કોઇ પેરાશુટ ઉમેદવાર એટલે કે પક્ષના વ્યુહ મુજબ કોઇ રાષ્ટ્રીય નેતાને રાજયસભામાં મોકલવા ગુજરાતનું પ્લેટફોર્મ વધુ એક વખત પસંદ કરે છે કે કેમ તે જોવુ રહ્યું. રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપ કોને તક આપે છે. તે ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા નિવૃત થતા સૌરાષ્ટ્રમાંથી ફકત એક માત્ર વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા જ સૌરાષ્ટ્રનું રાજયસભામાં પ્રતિનિધિ કરે છે. તેઓની ટર્મ 2029માં પૂરી થવાની છે પણ રાજયસભાની 11 બેઠકોમાં સૌરાષ્ટ્રનું મહત્વ જોતા ભુતકાળમાં બે થી ત્રણ સભ્યો સૌરાષ્ટ્રનું પ્રતિનિધિ કરતા હતા તેથી હવે સૌરાષ્ટ્રમાંથી કોને પસંદ કરે છે તેના પર સૌની નજર છે.

