વડોદરા, 21 જાન્યુઆરી 2026: મહીસાગર જિલ્લાના કરોડો રૂપિયાના ‘નલ સે જલ’ યોજનાના કૌભાંડમાં સીઆઈડી સીઆઈડી ક્રાઈમ દ્વારા વડોદરા મહાનગર ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
આ કેસની વિગત એવી છે કે, મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત થયેલા ભ્રષ્ટાચાર મામલે વડોદરા સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના ધમધમાટમાં અત્યાર સુધી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. વડોદરા ભાજપના નેતા મુકેશ શ્રીમાળીની સીધી સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરાઈ છે. આ કૌભાંડમાં અગાઉ પણ ભાજપના બે મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 23 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં માત્ર નેતાઓ જ નહીં, પરંતુ આ ભ્રષ્ટાચારમાં મિલીભગત રાખનારા કોન્ટ્રાક્ટરો સામે પણ કાયદાકીય ગાળિયો કસાયો છે.
સીઆઈડી ક્રાઈમની તપાસમાં કોન્ટ્રાક્ટરોની મુખ્ય ભૂમિકા સામે આવતા તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેટલાક કોન્ટ્રાક્ટરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. મહીસાગરમાં કરોડોના ખર્ચે બનેલી પાણીની યોજનામાં થયેલા આ વ્યાપક ભ્રષ્ટાચારને લઈને સીઆઈડી ક્રાઈમ દ્વારા એક પછી એક ધરપકડના દોરને પગલે કૌભાંડીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ તપાસમાં હજુ પણ કેટલાક મોટા નામો બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.

