Site icon Revoi.in

સુરતમાં ભાજપના ધારાસભ્ય કાનાણીનો લેટરબોમ્બ, પોલીસે 8 લાખનો તોડ કર્યાનો આક્ષેપ

Social Share

સુરતઃ શહેરમાં ગુંડાગીરી સામે પોલીસ એક્શન લઈ રહી છે ત્યારે પોલીસના તોડકાંડ બાબતે ભાજપના ધારાસભ્ય કૂમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. શહેરના સરથાણા પોલીસે પણ કોપીરાઈટના ગુનામાં આરોપી પાસેથી 8 લાખનો તોડ કર્યો હોવાનો ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈની જાણીતી કંપની ફિનાઈલના નામના સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતું હતું. કંપનીએ ગત જાન્યુઆરી માસમાં સરથાણા પોલીસને સાથે રાખી સીમાડા કેનાલ રોડ પર આરના એન્ટરપ્રાઈઝ નામથી પતરાંના મોટા શેડની આડમાં ચાલતા કારખાનામાં દરોડા પાડ્યા હતા. અહીંથી બનાવટી ફિનાઈલ, ટોઈલેટ ક્લીનર, ટાઇલ્સ ક્લીનર, ડીશ વોશર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો હતો. તે ઉપરાંત આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, કેન, બોટલનો જથ્થો પણ મળ્યો હતો. પોલીસે આ કારખાનું ચલાવનારા અતુલ વજુ ગલાણી (રહે. મારુતિધામ રો-હાઉસ, સરથાણા)ની ધરપકડ કરી હતી અને જે-તે સમયે 3.31 લાખનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો. કોપીરાઇટના આ ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો હોવાની ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ગોડાઉનમાં 20 લાખથી વધુનો માલ હોવા છતાં માત્ર 3.31 લાખનો માલ ઓન પેપર બતાવાયો છે. બાકીનો માલ પોલીસની મિલીભગતમાં પાંચ આઈસર ટેમ્પો ભરીને આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનથી એન્થમ સર્કલ પાસેના ક્રિષ્ણા ફાર્મમાં સગેવગે કરાયો હતો. FIRમાં પણ આરના એન્ટરપ્રાઈઝના 3 માલિકોને બદલે એકનો જ ઉલ્લેખ કરાયો હતો. બે મહિના પહેલા પાડેલી રેડમાં પોલીસે તોડ કરી ત્રણ માલિક હોવા છતાં એક સામે જ ફરિયાદ નોંધી હતી. ત્યારે કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું કે, પોલીસે કરેલું ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડા જેવું છે, હપ્તા લેનારા પોલીસકર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢવુ જોઈએ. હાલ આ મામલે તોડકાંડનો વિવાદ વકરતા પોલીસ કમિશનરે ડીસીપી ઝોન-1ને ઇન્ક્વાયરીના આદેશ કર્યા છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ધારાસભ્ય દ્વારા એપ્લિકેશન આપવામાં આવી છે એ બાબતે તપાસ કરતા અધિકારી પાસેથી પેપર સહિતના તમામ પુરાવાઓની તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ રૂપિયા લેવાયા છે કે નહીં તે અંગેનો રિપોર્ટ કરવામાં આવશે.