Site icon Revoi.in

કચ્છમાં ગરીબ લોકોના મકાનો-ઝૂંપડા તોડવા સામે ભાજપના ધારાસભ્યનો CMનેપત્ર

Social Share

ભૂજઃ ગુજરાતભરમાં સરકારી જમીનો પર કરાયેલા ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો તોડવાની સરકારની નીતિ સામે ભાજપના ધારાસભ્ય દ્વારા વિરોધ કરીને મુખ્યમંત્રીને પત્ર લખાયો છે. કચ્છમાં ચાલી રહેલા સરકારી જગ્યા પરના ગેરકદેસર દબાણો તોડવા સામે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે કે, વર્ષોથી રહેતા ગરીબોના કાચા મકાનો કે ઝૂંપડા તોડી પાડવાની નીતિ યોગ્ય નથી.

ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છમાં સરકારી જગ્યા પરના દબાણો ગરીબ વર્ગ દ્વારા કરવામાં આવ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરતા જણાવ્યુ હતું કે, ગરીબ લોકોના બદલે સરકારી જમીન પર ગુંડાઓ અને ભુમાફિયાએ કરેલા દબાણો દુર કરવા જોઈએ. ખનીજ માફિયાઓએ કરેલા સરકારી જમીન પર દબાણો સરકાર દૂર કરે. કેટલાક અધિકારીઓ પોતાની કામગીરી બતાવવા માટે ગરીબ લોકોના દબાણો હટાવવા પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓ કરવાના કામ કરતા નથી અને ન કરવાના કામો કરે છે. અધિકારીઓ કેટલા સાચા છે અને કેટલા ખોટા તે હું જાણું છું. અધિકારીઓના આ વલણ પ્રત્યે મારી નારાજગી છે. ચૂંટાયેલ પ્રતિનિધિની વાત પણ સાંભળવામાં આવતી નથી.

ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને પત્રમાં એવી રજુઆત કરી છે કે,  સરકાર દ્વારા મારા વિસ્તારમાં દબાણો હટાવવાની જે નોટીસો આપી છે જેના અનુસંધાને જણાવવાનું કે સરકારી જમીનો પર નાના ગરીબ માણસો જેઓના BPL માં નામ નથી આવ્યા તેવા નાના લોકો કાચા-પાકા મકાનો કે ઝુંપડાઓ બનાવીને રહે છે તેમજ અમુક માલધારીઓ જે પશુઓ માટે વડીલોપાર્જિત વાડાઓ ધરાવે છે તે પશુપાલકો અને અમુક લોકો નાની મોટી કેબીન, ચાની લારી કે હોટેલ, લોજ વગેરે કરીને માંડ માંડ ધંધો રોજગારી મેળવી રહ્યા છે તે હકીકત છે. ત્યારે ઉલ્લેખનીય છે કે હાલમાં મારા વિસ્તારમાં કોઈ રોડ-રસ્તા, આરોગ્ય વિષયક, શૈક્ષણિક હેતુ વગેરે માટે કોઈ જમીનોનો ઉપયોગ કરવાનો નથી કે કોઈ વિકાસનું કામ કે કોઈ ડેવલપમેન્ટ કરવાનું કોઈ આયોજન નથી અને કોઈને કંઈ અડચણરૂપ પણ નથી તેવા ગરીબ અને નાના લોકોના દબાણો હટાવવાનું કોઈ કારણ રહેતું નથી.શહેરો અને મહાનગર પાલિકા વિસ્તારોમાં જમીનો કીમતી છે. ત્યાંની અને અહિંયાની પરિસ્થિતિ જુદી છે. અહીં બોર્ડર વિસ્તાર છે. રોજગારીનો વિક પ્રશ્ન છે. જો દબાણો હટાવાશે તો ના છુટકે આ વિસ્તારનાં લોકોને અહીંથી સ્થળાંતર કરવું પડેશે.

Exit mobile version