જુનાગઢ, 25 મે, 2026 : BJP wins Junagadh taluka panchayat elections after AAP member arrested તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાય તે પહેલાં જ ભાજપે ખેલ પાડીને જીત મેળવી છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ટાણે જ બગડુ તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના સભ્ય સંજય પાઘડારની છેતરપિંડીના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલાં સંજય પાઘડાર વિરુદ્ધ સાત લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે ગઇકાલે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને પગલે આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કરીને લોકશાહીની હત્યા ગણાવી છે.
જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને AAP વચ્ચે ટાઈ પડી હતી. મતદાન સમયે ભાજપના 9 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે AAPના એકની ધરપકડ થતા હાજર રહી શક્યા નહતા., જ્યારે બે સભ્ય એક મિનિટ મોડા પડ્યા હતા. તેથી ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં જીત મેળવી લીધી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ તાલુકા પંચાયતની બેઠકો પર આમ આદમી પાર્ટીના 9 સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના 9 સભ્યો વિજેતા બન્યા હતા. બંને પક્ષો વચ્ચે ટાઈ થઈ હોવાના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની આજની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના સભ્ય સંજય પાઘડાર પ્રમુખ પદના ઉમેદવારના ટેકેદાર તરીકે ફોર્મ ભરી ચૂક્યા હતા. ‘આપ’નો આક્ષેપ છે કે સંજય પાઘડાર ચૂંટણીમાં પોતાનો કિંમતી મત ન આપી શકે તેવા બદઇરાદાથી ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ ધરપકડની આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર વિવાદ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ તાલુકા પંચાયતમાં બંને પક્ષોને સરખી બેઠકો મળી હોવાથી સત્તા મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસ તંત્રનો ખુલ્લેઆમ દુરુપયોગ કર્યો છે. રાજુ બોરખતરીએ વધુમાં જણાવ્યું કે, ભાજપ જ્યારે આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન અને પ્રામાણિક સભ્યોને તોડવામાં તેમજ ખરીદવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ, ત્યારે તેમણે બગડુના સભ્ય સંજય પાઘડાર પર રાજકીય કિન્નાખોરી રાખીને ખોટો કેસ દાખલ કરાવી દીધો છે. પ્રમુખ પદની ચૂંટણીમાં તેમને મતદાન કરતાં રોકવા માટે જ પોલીસે આ ધરપકડ કરી છે અને ભારતીય જનતા પાર્ટીએ હાલ સત્તાના નશામાં તાનાશાહીની તમામ હદો વટાવી દીધી છે.

