આજના સમયગાળામાં નાની વયમાં જ લોકો ડાયાબિટીસ અને હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓના શિકાર બની રહ્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હૃદયના સ્વાસ્થ્ય માટે બ્લેક કોફીનું નિયમિત સેવન ખૂબ લાભદાયક છે. કોફીમાં કેફીન, ક્લોરોજેનિક એસિડ, ટ્રિગોનેલિન, ડાયટરપીન્સ અને મેલાનોઇડ્સ જેવા ઘટકો હોય છે, જે શરીર માટે પ્રાકૃતિક રીતે લાભદાયક છે. નિષ્ણાતોના મતે, બ્લેક કોફીનું સેવન યોગ્ય રીતે કરવામાં આવે ત્યારે જ તેનું સકારાત્મક પરિણામ મળે છે. જો કોફીમાં દૂધ, ખાંડ, ક્રીમ અથવા સ્વીટનર્સ ઉમેરવામાં આવે તો તે આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. તેથી દૂધ અને ખાંડ વગરની શુદ્ધ બ્લેક કોફી પીવી શ્રેષ્ઠ ગણાય છે.
નિષ્ણાતોના મતે, બ્લેક કોફી ફક્ત ઉર્જા પૂરું પાડતી નથી, પણ લીવર માટે રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે. આ પીણું લીવરમાં ચરબી ઓગાળવામાં મદદરૂપ છે અને લાંબા ગાળાના નુકસાન સામે રક્ષણ આપે છે. ખાંડ અને દૂધ વગરની બ્લેક કોફીનું ખાલી પેટે સેવન દવા તરીકે કાર્ય કરે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, રોજ ત્રણથી ચાર કપ બ્લેક કોફી પીવાથી લીવર અને હૃદયના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. આ સાથે ચયાપચય (મેટાબોલિઝમ) સુધરે છે અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘટે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બ્લેક કોફી સાથે લીલા શાકભાજી, તાજા ફળો, આખા અનાજ અને ડ્રાયફ્રૂટ્સનો રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. આ આહાર હૃદય અને લીવર બંને માટે ફાયદાકારક છે અને શરીરમાં ચરબીનું પ્રમાણ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે, “બ્લેક કોફી આરોગ્ય માટે લાભદાયક છે, પરંતુ તેનું અતિસેવન ન કરવું જોઈએ. મર્યાદિત માત્રામાં પીવાથી તે શરીરમાં ઉર્જા, ચયાપચય અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે.”