Site icon Revoi.in

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ, ઇન્સ્પેક્ટર સહિત 10નાં મોત

Social Share

શ્રીનગરઃ દિલ્હી વિસ્ફોટની તપાસ હજુ ચાલુ જ છે દરમિયાન મોડીરાત્રે શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટનો અવાજ અંદાજે પાંચ કિલોમીટર સુધી સાંભળાયો હતો. ઘટનામાં અત્યાર સુધી ઇન્સ્પેક્ટર સહિત 10 લોકોના મોત થયા છે જ્યારે 29 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી સુરક્ષાદળોએ તપાસ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી મુજબ ઘટનાના સમયે થાનાની ઇમારતમાં ડીએસપી રેન્કના અધિકારી, એક તહસીલદાર અને અન્ય ઘણી ટીમો મળી કુલ 50 જેટલા લોકો હાજર હતા. 29 લોકોને ઇજા પહોંચતા તેમને અલગ–અલગ હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવ્યા છે. પાંચ ઘાયલોને સેના ના બેસ હોસ્પિટલમાં અને અન્યને શ્રીનગરની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ આતંકી હુમલો નથી પણ દૂર્ઘટના છે.. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે પોલીસકર્મીઓ હરિયાણાના ફરીદાબાદથી લાવવામાં આવેલી વિસ્ફોટક સામગ્રીના નમૂના લઈ રહ્યા હતા. આ વિસ્ફોટક સામગ્રી આરોપી ડૉક્ટર મુજમ્મિલના ભાડાના મકાનમાંથી મળી આવેલા 360 કિલોગ્રામ સ્પ્લોસિવનો ભાગ હતી. તપાસના ભાગરૂપે તેના નમૂનાઓ લેવામાં આવે તે પહેલાં જ અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો.

સ્થાનિક રહેવાસી તારિક અહમદે ઘટના અંગે જણાવ્યું હતું કે, “અમે 11.22 કલાકે એક ભયાનક વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. શરૂઆતમાં અમને સમજાયું જ નહીં કે શું થયું છે. બહાર નીકળ્યા ત્યારે લોકો રડી રહ્યા હતા. જ્યારે પોલીસે સ્ટેશન તરફ ગયા ત્યારે ત્યાં તો કયામત જેવી સ્થિતિ હતી. બધું જ તબાહી થઇ ગયું હતું.”  પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે અને અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. બીજી તરફ પોલીસ, ફોરેન્સિક ટીમો અને બોમ્બ સ્ક્વોર્ડ ઘટનાસ્થળે વધુ તપાસ કરી રહ્યા છે.

Exit mobile version