BMC મેયરપદનું કોકડું છેવટે ઉકેલાયું, ભાજપના રીતુ તાવડેની પસંદગી
મુંબઈ, 7 ફેબ્રુઆરી, 2026: Ritu Tawde બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના નવા મેયરપદ માટે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા અને સસ્પેન્સનો આખરે આજે અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મેયરપદ માટે મહિલા કોર્પોરેટર રિતુ તાવડેના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. મુંબઈ મહાનગરપાલિકાના ઈતિહાસમાં છેલ્લા 40 વર્ષમાં આ પ્રથમ પ્રસંગ હશે જ્યારે ભાજપનો કોઈ ઉમેદવાર મેયરની ખુરશી પર બિરાજશે. એ સાથે નાયબ મેયરપદ માટે શિવસેનાના સંજય ઘાડીની પસંદગી કરવામાં આવી છે.
BMC મુખ્યાલય ખાતે મળેલી ભાજપના કોર્પોરેટરોની બેઠકમાં રિતુ તાવડેના નામ પર આખરી મહોર મારવામાં આવી હતી. આ બેઠક દરમિયાન સૂત્રોચ્ચાર અને ‘છત્રપતિ શિવાજી મહારાજની જય’ ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રિતુ તાવડે ઘાટકોપર વિસ્તારમાંથી ત્રણ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા છે અને અગાઉ શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમના મિલનસાર સ્વભાવ અને બહોળા અનુભવને કારણે તેમને મેયર પદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા.
બીજી તરફ, સત્તામાં ભાગીદારીના ભાગરૂપે શિવસેના (શિંદે જૂથ) ની માંગણી સ્વીકારવામાં આવી છે. શિવસેનાના સંજય શંકર ઘાડીને ડેપ્યુટી મેયરપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
BMC ચૂંટણીમાં ભાજપ 89 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યું છે, જ્યારે શિવસેના (શિંદે જૂથ) ને 29 બેઠકો મળી છે. બહુમતી માટે જરૂરી 114 ના આંકડાને પાર કરવા માટે શિંદે જૂથનું સમર્થન નિર્ણાયક હતું, જેના કારણે ભાજપે ડેપ્યુટી મેયરનું પદ સાથી પક્ષને ફાળવ્યું છે.
બીએમસીમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) 65 બેઠકો સાથે બીજા ક્રમે છે, જ્યારે મનસેને 6 અને શરદ પવાર જૂથની NCP ને 1 બેઠક મળી છે. દેશની સૌથી ધનિક ગણાતી આ મહાનગરપાલિકામાં સત્તાનું સુકાન સંભાળવું એ ભાજપ માટે એક મોટી રાજકીય સફળતા માનવામાં આવે છે. મેયરની સત્તાવાર ચૂંટણી આગામી 11 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે BMC હેડક્વાર્ટર ખાતે યોજાશે, જેમાં ભાજપ-શિવસેના ગઠબંધન જીતવા માટે મજબૂત સ્થિતિમાં જણાઈ રહ્યું છે.
કોણ છે મેયરપદના ઉમેદવાર રિતુ તાવડે?
- રિતુ તાવડે ભાજપના વરિષ્ઠ કોર્પોરેટર છે.
- તેઓ 2012માં વોર્ડ નંબર 127 માંથી જીત્યા હતા.
- ત્યારબાદ 2017માં ઘાટકોપરના વોર્ડ નંબર 121 માંથી અને તાજેતરની 2025ની ચૂંટણીમાં વોર્ડ નંબર 132 માંથી વિજયી થયા હતા.
- તેઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
- રિતુ તાવડેને શરૂઆતથી જ મેયર પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા.


