Site icon Revoi.in

ભૂજ નજીક બોરવેલમાં પડેલા યુવકનો 9 કલાક બાદ મૃતદેહ બહાર કઢાયો

Social Share

ભુજઃ તાલુકાના કુકમા ગામ નજીક બોરવેલમાં પારિવારીક ઝગડાને લીધે પરપ્રાંતિ યુવાને ઝંપલાવ્યું હતું, વધુ ડાયામીટર ગોળાઈને બોરવેલમાં પડેલો ઝારખંડના 20 વર્ષીય યુવક 150 ફુટ ઊંડાઈએ ફસાયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સહિત તંત્ર કામે લાગ્યુ હતું અને આર્મીની પણ મદદ લેવામાં આવી હતી. દરમિયાન નવ કલાકની ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, તેને બચાવી શકાયો ન હતો અને ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના ગત સાંજે 6.38 વાગ્યાની આસપાસ બની હતી.

બનાવની વિગત એવી છે કે, મૂળ ઝારખંડ રાજ્યનો વતની રૂસ્તમ શેખ નામનો આ યુવક કુકમા સ્થિત આશાપુરા ટેકરી પાસે ગોપાલભાઈની વાડીમાં ખેતમજૂરી કરતો હતો. પારિવારીક ઝગડાથી કંટાળી આવેશમાં આવીને તેણે બોરવેલમાં પડતું મૂક્યું હતું. એક ફૂટ પહોળાઈ ધરાવતા આ બોરવેલમાં યુવક લગભગ 150 ફૂટ ઊંડાઈએ ફસાયો હતો. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રના અધિકારીઓ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.

ભુજ ફાયર વિભાગના ફાયરમેન કમલેશ મતિયાએ જણાવ્યું કે, યુવકને સુરક્ષિત બહાર કાઢવા માટે ગત સાંજથી વહેલી સવાર સુધી સતત કામગીરી ચાલી હતી. આશરે નવ કલાક સુધી ચાલેલી આ કામગીરીમાં આર્મીના જવાનો, સ્થાનિક બોરવેલ બનાવતા યુવકો અને ફાયર ટીમના 15 સભ્યો જોડાયા હતા. યુવક જીવિત રહે તે માટે બોરવેલની અંદર પાઇપલાઈન મારફતે સતત ઓક્સિજન પૂરો પાડવામાં આવતો હતો અને કેમેરાની મદદથી તેની સ્થિતિ પર નજર રાખવામાં આવતી હતી. રાત સુધી સફળતા ન મળતા, અંતે દેશી પદ્ધતિ અપનાવવામાં આવી હતી. લોખંડના હૂકને દોરડા વડે બાંધી ગરગડી મારફતે બોરવેલની અંદર ઉતારવામાં આવી હતી. આ હૂક યુવકના કપડામાં ફસાવી તેને બહાર ખેંચી કાઢવામાં આવ્યો હતો. જોકે, તેને બચાવી શકાયો ન હતો અને ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.  હાલ તેના પોસ્ટમોર્ટમ સહિતની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભુજ પ્રાંત અધિકારી ઘટનાસ્થળે સતત માર્ગદર્શન આપતા રહ્યા હતા.

Exit mobile version