Site icon Revoi.in

હાલોલના આંબા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા દીયર-ભાભીના મોત

Social Share

હાલોલઃ  તાલુકાના આંબા તળાવ ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ગામની એક મહિલા કપડા ધોવા ગઈ હતી તે વખતે મહિલાનો પગ લપસી જતા અને તેમને બચાવવા પડેલા તેના દિયર એમ બંને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબી શોધખોળ બાદ દિયર-ભાભીના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવથી પરિવારજનોમાં પણ શોકની કાલીમા છવાઈ ગઈ હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આંબા તળાવ ગામ પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે. અહીં ગામમાં રહેતા ગીતાબેન સોલંકી કેનાલમાં કપડાં ધોવા ગયા હતા. કપડા ધોતી વખતે ગીતાબેનનો પગ અચાનક કેનાલમાં લપસી જતા કેનાલના પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહ્યા હતા. ગીતાબેને બુમાબુમ કરતા કેનાલ પાસે ઉભા રહેલા તેમના દિયર વિજયભાઈ સોલંકી દોડી આવ્યા હતા. વિજયભાઈ ભાભીને બચાવવા કેનાલમાં કૂદી પડ્યા હતા. જોકે, પાણીના પ્રવાહમાં તેઓ પણ ગરકાવ થઈ ગયા હતા. આ મામલે સ્થાનિક લોકોએ પરિવારને જાણ કરી હતી. આ સાથે પોલીસને પણ જાણ કરવામાં આવતા હાલોલ ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ દોડી આવી હતી. કેનાલમાં સ્પીડ બોટ વડે ફાયર વિભાગના જવાનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આખરે બંને દિયર-ભાભીના મૃતદેહ મળી આવ્યા હતા. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલોલ ગ્રામ્ય પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દિયર ભાભીના મોતને પગલે આંબા તળાવ ગામમાં પણ શોકની કાલીમા છવાઈ ગઈ છે.

Exit mobile version