સાંબામાં ડ્રગ્સના અડ્ડા પર દરોડા પાડવા ગયેલી BSF ટીમ પર હુમલો, 2 ઘાયલ
નવી દિલ્હી, 30 માર્ચ 2026: જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં સોમવારે ડ્રગ્સના અડ્ડા પર દરોડા પાડવા ગયેલી BSFની ટીમ પર સ્થાનિકોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં BSFના બે અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે જમ્મુ AIIMS ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સાંબા જિલ્લાના સુપવાલ વિસ્તારમાં આવેલા ‘ગુજ્જર બસ્તી’ ગામમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે BSFના ઇન્સ્પેક્ટર ઇમ્તિયાઝ અને સબ-ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર કુમાર તપાસ માટે પહોંચ્યા હતા. આ બંને અધિકારીઓ તે સમયે યુનિફોર્મમાં નહોતા. દરોડા દરમિયાન અચાનક સ્થાનિકોના ટોળાએ તેમના પર હુમલો કરી દીધો હતો.
હુમલામાં ઘાયલ થયેલા બંને અધિકારીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે સાંબા, કઠુઆ અને જમ્મુ જિલ્લામાં ફેલાયેલી 240 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા BSF કરે છે. પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા હથિયારો, રોકડ અને ડ્રગ્સ મોકલવાની પ્રવૃત્તિઓ સતત ચાલતી હોય છે. સરહદ પારથી આવતા આ નશાના કારોબારને રોકવા માટે સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવતા હોય છે, જેના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતા.
BSF દ્વારા સરહદ પર હાઈ-ટેક એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, જેનાથી ડ્રોન પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે, પરંતુ સ્થાનિક સ્તરે સક્રિય ડ્રગ્સ પેડલરો હવે સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા હોય તેવું આ ઘટના પરથી પ્રતીત થાય છે.


