અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા રાતોરાત જંત્રીના દરમાં ડબલ વધારો ઝીંકી દેતા રિયલ એસ્ટેટ બિઝનેશને કપરો માર સહન કરવાનો વારો આવ્યો છે. ક્રેડોઈ અને બિલ્ડર્સના જુદા જદુદા એસો. દ્વારા મુખ્યમંત્રીને મળીને રજુઆતો અને આજીજી પણ કરી છતાં સરકાર જંત્રીના દર ઘટાડવા માગતી નથી. કેટલાક ભાજપ સમર્પિત બિલ્ડરોએ તો માત્ર બે મહિના પુરતો જંત્રી દર વધારાનો નિર્ણય પાછો ઠેલવાની વિનંતી કરી હોવા છતાં સરકાર મક્કમ છે. હવે બિલ્ડરો ધારાસભ્યો અને સાંસદોને રજુઆત કરીને સરકાર પર દબાણ લાવવાના પ્રયાસો કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે જંત્રીમાં રાતોરાત કરાયેલા બમણા વધારાને લઇને નારાજ થયેલા બિલ્ડરોએ મુખ્યમંત્રી સાથે કરેલી મુલાકાતમાં તેમને અપાયેલી ત્રણ દિવસની મુદ્દત ગુરુવારે પૂરી થઇ હતી. હજુ પણ જંત્રીમાં ઘટાડો કે નિર્ણય પાછો ઠેલવાની બિલ્ડરોની માગ અંગે મુખ્યમંત્રીએ કોઇ સંકેત ન આપતા બિલ્ડરો નિરાશ થયા છે. હવે તેઓ ગુજરાતના સાંસદો અને ધારાસભ્યોને મળીને તેમની માગ બુલંદ કરવા મદદ માગશે. ક્રેડાઇ-ગાઇહેડના પદાધિકારીઓના કહેવા મુજબ, મુખ્યમંત્રીએ જંત્રીના મુદ્દે ત્રણ દિવસમાં યોગ્ય નિર્ણય લેવાશે તેવું કહ્યું હતું, પરંતુ તેમના તરફથી કોઇ પ્રતિભાવ મળ્યો નથી. આથી હવે રાજ્યના ચૂંટાયેલા સભ્યોનો સાથ લઇશું. ઘણાં બધાં ધારાસભ્યો અને સાંસદો સાથે આ મુદ્દે ચર્ચા થઇ છે. આવનારાં સમયમાં અમે અમારી સાથે તેમને જોડીને સરકારને મનાવવા પ્રયત્ન કરીશું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતના બિલ્ડરોના અલગ-અલગ વિસ્તારોના કુલ 40 ચેપ્ટર છે અને આ તમામ ચેપ્ટર્સમાંથી પ્રતિનિધીઓ એકઠા થઈને દરેક જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપશે. બિલ્ડરોની મુખત્વે એવી માગ છે. કે, નવી જંત્રીનો અમલ પહેલી મેથી કરવો, પેઇડ કે ચાર્જેબલ એફએસઆઇ માટે જંત્રી 40ને બદલે 20 ટકા ગણવી, નવીમાંથી જૂની શરત માટે પ્રિમિયમમાં જંત્રીના 40ને બદલે 20 ટકા ગણવા, દરેક વિસ્તારની જમીનોની બજાર કીમતને આધારે તેની જંત્રી નક્કી કરવી, રહેણાંકના ફ્લેટ અને દુકાનો માટે જંત્રીમાં 20 ટકાનો વધારો કરવો એફોર્ડેબલ હાઉસિંગમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં 1 ટકાનો ઘટાડો કરવો. આવેદનપત્રમાં પણ તમામ માંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઘણા ધારાસભ્યો, સાંસદો અને અન્ય રાજકીય નેતાઓ કન્સ્ટ્રક્શન અને જમીનની ખરીદી અને વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગુજરાત સરકારના જંત્રી વધારવાના નિર્ણયને કારણે તેમને પણ મોટો આર્થિક ફટકો પડવાનો છે. આથી સરકારનો આ નિર્ણય ભાજપના નેતાઓને પણ ખૂંચ્યો છે. જોકે પક્ષની શિસ્ત જાળવવાની હોવાથી તેઓ આ મુદ્દે મૌન સેવીને બેઠા છે. કેટલાકે જાણીતા બિલ્ડરો સાથે મળીને આ મુદ્દે ચર્ચા પણ કરી છે. (FILE PHOTO)