Site icon Revoi.in

અમદાવાદમાં કૂબેરનગરમાં કમલ તળાવ વિસ્તારમાં 150 મકાનો પર બુલડોઝર ફેરવાયું

Social Share

અમદાવાદઃ  શહેરના કૂબેરનગર વિસ્તારમાં કમલ તળાવ પાસે વર્ષોથી બંધાયેલા 150 ગેરકાયદે મકાનોને તોડી પાડવા માટે આજે સવારથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ. મકાનો તોડી પડાતા અનેક પરિવારો નોધારા બન્યા છે, પોતાનો આશરો તૂટતો જોઈને મહિલાઓ અને બાળકો રડી પડ્યા હતા. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

શહેરના કુબેરનગર વિસ્તારમાં ITI રોડ પર આવેલા કમલ (ઉમલા) તળાવમાં આજે સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયુ હતુ. તળાવ આસપાસ આશરે 150 જેટલા દબાણો હતા, જેને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. એએમસી દ્વારા તમામ દબાણકારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ ખાલી  કરવામાં ન આવતા સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓ અને બાળકો બેઘર થતા રડી પડ્યા હતા. સ્થાનિકોની એક જ માગ છે કે, અમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાનો આપવામાં આવે. અમે બીજે જવા માટે તૈયાર છીએ, પરંતુ અમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી.

ઉત્તર ઝોનના એસ્ટેટ અધિકારી વિક્રમ કાતરીયાએ જણાવ્યું હતું કે, કમલ તલાવડી વિસ્તારમાં નાના મોટા 150 જેટલા મકાનો આવેલા છે, જેને સવારથી ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે. આ જગ્યામાં રહેનારા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા માટે જાણ કરવામાં આવી છે. તેમના ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે તેમને જણાવવામાં આવ્યું છે.

કુબેરનગર વિસ્તારમાં ITI રોડ પર આવેલા બળદેવનગરમાં કમલ તલાવડી વિસ્તાર આવેલો છે. વર્ષોથી આ તળાવની જગ્યામાં મકાનો અને ઝૂંપડા ઊભા કરી દેવામાં આવ્યા હતા. વોટર બોડીની જગ્યામાં રહેલા દબાણોને દૂર કરવા માટેની સૂચના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન પ્રક્રિયા માટેની કાર્યવાહી કરવામાં આવી છે.

Exit mobile version