Site icon Revoi.in

ભાભરમાં લગ્નમાં આવેલા મહેમાનો પર ભમરાંઓએ કર્યો હુમલો, 10ને હોસ્પિટલ ખસેડાયા

Social Share

પાલનપુર, 27 જાન્યુઆરી 2026:  બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં એક લગ્ન સમારંભમાં આવેલા મહેમાનો હર્ષોલ્લાસથી લગ્નનો પ્રસંગ માણી રહ્યા હતા તે દરમિયાન ભમરાઓના ઝૂંડે આવીને મહેમાનો પર હુમલો કરતા 10 જેટલા મહેમાનોને ભમરા કરડતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની વિગત એવી છે કે,  ભાભર સ્થિત ઠક્કર સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. વર-કન્યાના આશીર્વાદ અને ભોજન સમારંભમાં મહેમાનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા હતા.  દરમિયાન વાડીમાં કોઈ કારણોસર ભમરાનો મધપૂડો છંછેડાયો હતો અથવા અચાનક ભમરાઓનું એક મોટું ઝૂંડ ત્રાટક્યું હતું. જોતજોતામાં ભમરાઓએ મંડપમાં હાજર મહેમાનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. ભમરાઓના હુમલાથી લગ્ન પ્રસંગમાં અચાનક અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જીવ બચાવવા માટે મહેમાનો આમ-તેમ દોડવા લાગ્યા હતા. આ ઘટનામાં અંદાજે 10 જેટલા લોકોને ભમરાઓએ ડંખ માર્યા હતા, જેના કારણે તેમની તબિયત લથડી હતી. ભોગ બનેલા તમામ વ્યક્તિઓને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાને પગલે લગ્નની ખુશીઓ પળવારમાં ચિંતામાં ફેરવાઈ ગઈ હતી. સદનસીબે, સમયસર સારવાર મળતા તમામ ઈજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. લગ્ન જેવા મંગળ પ્રસંગે બનેલી આ અણધારી ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.

Exit mobile version