Site icon Revoi.in

અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં ગત રાતે ભારે પવન ફુંકાતા બનરો, હોર્ડિંગ્સ, મંડપ તૂટી પડ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે મોડી સાંજે રાજ્યના અમદાવાદ,વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર સહિતના જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવતા તેજ ગતિથી પવન ફુંકાયો હતો. અમદાવાદ, હિંમતનગર, ગાંધીનગર અને વડોદરામાં ભારે પવનને કારણે અનેક હોર્ડિંગ ધરાશાયી થયા હતા. અમદાવાદમાં PM મોદીનો રોડ શો યોજાવાનો હોય એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધી રસ્તાની બંને તરફ બેનર અને સ્ટેજ ઊભાં કરવામાં આવ્યાં છે, જેને ભારે પવનના કારણે નુકસાન થયું હતું.

અમદાવાદમાં રવિવારે સમીસાંજ બાદ તેજ ગતિથી ભારે પવન ફુંકાતા ત્રણ ડોમેસ્ટિક ફ્લાઈટ સુરત ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. જ્યારે મોડીરાત્રે વડોદરામાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા વીજપુરવઠો ખોરવાયો હતો. સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે પવન સાથે વરસાદ વરસતા કાચા મકાનના છાપરા ઉડ્યા હતા અને અનેક વૃક્ષો પણ ધરાશાયી થયાં હતાં. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

કેરળમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી બાદથી હવે દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસાના આગમનની ધીમે ધીમે શરૂઆત થવા લાગી છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મોનસૂનની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત થઇ ચૂકી છે. આ સાથે મુંબઈમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગે ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરતાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પણ પવન સાથે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે 41 થી 60ની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. બીજી બાજુ પવન સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.