Site icon Revoi.in

જમ્મુ અને કાશ્મીરના રામબનમાં અમરનાથ યાત્રાળુઓની બસો વચ્ચે ટક્કર, 36 યાત્રાળુઓ ઘાયલ

Social Share

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના રામબનમાં અમરનાથ યાત્રાળુઓના કાફલાની ત્રણ બસો ટકરાઈ હતી. આ અકસ્માતમાં અમરનાથ જઈ રહેલા 36 યાત્રાળુઓને થોડી ઈજા થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે રામબન જિલ્લામાં ત્રણ બસો વચ્ચે થયેલી ટક્કરમાં 36 અમરનાથ યાત્રાળુઓને થોડી ઈજા થઈ હતી. આ બસો જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના પહેલગામ બેઝ કેમ્પ જઈ રહેલા કાફલાનો ભાગ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચંદ્રકૂટ નજીક થયો હતો. તેમણે કહ્યું હતું કે આ અકસ્માત બસના બ્રેક ફેઈલ થવાને કારણે થયો હતો, ત્યારબાદ બસ બે અન્ય વાહનો સાથે અથડાઈ હતી. બસો વચ્ચે ટક્કર બાદ, ઘાયલ મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. સારવાર બાદ, જે બસો ક્ષતિગ્રસ્ત થઈ હતી તેમને બદલવામાં આવી હતી. કાફલો નવી બસો સાથે આગળ વધ્યો. આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.

રામબન ડેપ્યુટી કમિશનરે X પર લખ્યું હતું કે, “પહલગામ કાફલાના છેલ્લા વાહને કાબુ ગુમાવ્યો અને ચંદ્રકોટ લંગર સ્થળ પર ફસાયેલા વાહનોને ટક્કર મારી, જેના કારણે 4 વાહનોને નુકસાન થયું અને 36 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. સ્થળ પર પહેલેથી જ હાજર જિલ્લા વહીવટીતંત્રે ઘાયલોને તાત્કાલિક DH રામબન ખસેડ્યા. મુસાફરોને પછીથી તેમની આગળની યાત્રા માટે અન્ય વાહનોમાં ખસેડવામાં આવ્યા.”

6,979 યાત્રાળુઓનો ચોથો સમૂહ અમરનાથ ગુફા માટે રવાના થયો છે. તેમાં 5,196 પુરુષો, 1,427 મહિલાઓ, 24 બાળકો, 331 સાધુ અને સાધ્વી અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. આ બધા યાત્રાળુઓ બે અલગ-અલગ કાફલામાં સવારે 3.30 થી 4.05 વાગ્યાની વચ્ચે ભગવતી નગર બેઝ કેમ્પથી અમરનાથ ગુફા માટે રવાના થયા હતા. 48 કિમી લાંબા પરંપરાગત પહેલગામ રૂટ દ્વારા 161 વાહનોમાં 4226 યાત્રાળુઓ નુનવાન બેઝ કેમ્પ માટે રવાના થયા હતા, જ્યારે 2753 યાત્રાળુઓ 14 કિમી ટૂંકા પરંતુ ઊંચા બાલતાલ રૂટ માટે 151 વાહનોમાં રવાના થયા હતા. અમરનાથ યાત્રા સત્તાવાર રીતે 3 જુલાઈએ શરૂ થઈ હતી અને 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.