
- ફ્લાઈટ સર્વિસ વધવાની સંભાવના
- ભારતમાં હવે કોરોનાથી રાહત
- કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો
દિલ્હી:કોરોનાવાયરસની મહામારી પછી વિશ્વ ફરીવાર ટ્રેક પર આવી રહ્યું છે લોકોને હવે કોરોનાથી રાહત મળી છે. વિશ્વભરની એરલાઇન્સ માર્ચના અંતભાગથી નવી ફ્લાઇટ્સ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી હોવાથી ભારતના ગ્રાહકોને વિમાની સફર કરવા માટેના વ્યાપક વિકલ્પો મળી રહેશે.
ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 27 માર્ચના રોજથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા મંજૂરી આપ્યા પછી વિવિધ એરલાઇન્સમાં વધુ સંખ્યામાં ફ્લાઇટ્સ શરૂ કરવાની દિશામાં વિચારી રહી છે. મલેશિયાની એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું છે કે, એરલાઇન દિલ્હી, બેંગ્લુરુ, મુંબઇ, ચેન્નઇ અને હૈદરાબાદ સહિતના જે શહેરો માટે ફ્લાઇટનું સંચાલન કરી રહી છે તે શહેરો માટે માંગના પ્રમાણમાં ફ્લાઇટ્સ વધારશે.
મલેશિયા અને તુર્કી એરલાઇન્સ બે વર્ષના અંતરાલે ભારત માટેની પ્રવાસી ફ્લાઇટ્સ શરૂ કરવા જઇ રહી છે. તે અરસામાં એર ફ્રાન્સ-કેએલએમ અને લુફ્થાન્સા જૂથ પણ તેમની ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો કરવા વિચારી રહી છે. ભારતમાં સૌથી વધુ સંખ્યામાં ફ્લાઇટ સંચાલન કરી રહેલી વિદેશી એરલાઇન અમિરાત પણ કોવિડ-19 પહેલાંની સ્થિતિએ જે ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી હતી તેટલી ફ્લાઇટ ફરી શરૂ કરવા વિચારી રહી છે.
મહામારી પહેલાં ભારત 60 દેશો સાથે સીધી એર કનેક્ટિવિટી ધરાવતું હતું. દેશ હાલમાં 37 દેશો સાથે એર ટ્રાન્સપોર્ટ બબલ વ્યવસ્થા ધરાવે છે. બબલ વ્યવસ્થા નિયમિત ફ્લાઇટ્સને મંજૂર તો રાખે છે, પરંતુ પ્રવાસીઓની સંખ્યા અને ટિકિટના વેચાણ પર નિયંત્રણો હતા.