નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની સરકાર રોકાણને લઇને મૈત્રીપૂર્ણ નીતિઓ ઘડી રહી છે જેને કારણે યુપીમાં વિદેશી કંપનીઓ મૂડીરોકાણ કરવા માટે તત્પર બની છે.
હાલમાં સિંગાપોરની અનેક કંપનીઓ ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ, ઇલેક્ટ્રોનિક્સ, લોજિસ્ટિક્સ અને ડેટા સેન્ટરના ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવા માટે રસ દર્શાવ્યો છે.
સિંગાપોરના એસટી ટેલિમીડિયા ગ્લોબલ ડેટા સેન્ટર ઇન્ડિયાએ ગૌતમ બુદ્વ નગરમાં ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપવાની પહેલ કરી છે. આ સાથે અમેરિકા, જાપાન અને કોરિયાની મોટી કંપનીઓ પણ નોઇડામાં આઇટી ઉદ્યોગને લગતા તેમના પ્રોજેક્ટ્સને ઝડપી બનાવી રહી છે.
અમેરિકન કંપની માઈક્રોસોફ્ટ અને જાપાનીઝ કંપની એનટીટી એ પણ નોઈડામાં ડેટા સેન્ટર બનાવવા માટે જમીન ખરીદી છે. હીરાનંદાની ગ્રૂપ સહિત અન્ય ઘણી ભારતીય કંપનીઓએ નોઈડામાં ડેટા સેન્ટર પાર્ક બનાવવાનો નિર્ણય કર્યો છે.
મહત્વનું છે કે, સિંગાપોરની કંપનીએ નોઇડામાં 600 કરોડ રૂપિયાના અંદાજીત રોકાણ સાથે 18 મેગાવોટનો આઇટી કેપેસિટી સાથે એક ડેટા સેન્ટર કેમ્પર ઉભુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે ત્રણ એકરનો વિસ્તાર પણ પસંદ કરી લીધો છે.