
તહેવારોની મોસમને કારણે ડિજીટલ ગોલ્ડ તરફ રોકાણકારો વધ્યા, ગોલ્ડ ઇટીએફમાં 303 કરોડનું રોકાણ
- ડિજીટલ ગોલ્ડ તરફ વધતા રોકાણકારો
- ગોલ્ડ ઇટીએફમાં ઑક્ટોબરમાં 303 કરોડનું રોકાણ
- તહેવારોની મોસમને કારણે માંગ વધી
નવી દિલ્હી: ભારતના શેરબજારમાં તેજીના બુલરન બાદ હવે સેફ હેવન ગણાતા સોના-ચાંદી તરફમાં પણ રોકાણ કરવા લોકોનો પ્રવાહ વધ્યો છે. તે ઉપરાંત તહેવારોની સીઝન દરમિયાન સોનાની ખરીદીને શુભ મનાતી હોવાની પરંપરાને કારણે પણ ઑક્ટોબર મહિનામાં સોનાની માંગમાં ઉછાળો નોંધાયો હતો.
જો કે આજે જ્યારે જમાનો ડિજીટલ છે ત્યારે રોકાણ પણ કેમ પરંપરાગત હોય? લોકો હવે ડિજીટલ માધ્યમથી સોનામાં રોકાણ તરફ વળ્યા છે.
ઑક્ટોબર મહિનામાં તહેવારોની મોસને કારણે રોકાણકારોનો ગોલ્ડ ઇટીએફમાં વિશ્વાસ જોવા મળ્યો હતો. ઑક્ટોબર મહિનામાં રૂ. 303 કરોડનો નેટ ઇન્ફ્લો દર્શાવ્યો છે. જો કે સપ્ટેમ્બરના રૂ. 446 કરોડના રોકાણ પ્રવાહ કરતાં ગત મહિનાનો આંકડો ઓછો રહ્યો છે.
માર્કેટ નિષ્ણાતો અનુસાર ઑક્ટોબર દરમિયાન ઇટીએફમાં આશરે રૂ. 303 કરોડનો ઇન્ફલો યોગ્ય છે. અપેક્ષાઓ અનુસાર તહેવારોની સીઝનમાં આ એસેટ ક્લાસની માંગ અકબંધ રહી હતી. આ વર્ષે ધનતેરસ પર પણ સોનાના વેચાણનું સ્તર 2019ના ધનતેરસ કરતાં લગભગ 20 ટન વધુ હતું.
આ સિવાય સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં ઓક્ટોબરમાં નેટ ઈન્ફ્લોનો ઓછો આંકડો ઓક્ટોબરમાં સોનાના ભાવમાં આવેલા ઉછાળાને કારણે પણ હોઈ શકે છે. ભાવ ઉંચકાતા રોકાણકારો ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાથી અળગા રહ્યાં હોઈ શકે છે.