
- કંપનીઓ દ્વારા કરાયેલા શેર્સ બાયબેકના ડેટા સામે આવ્યા
- વર્ષ 2021માં 13597 કરોડના શેર્સ બાયબેક કરાયા હતા
- વર્ષ 2020માં કંપનીઓએ કુલ રૂપિયા 36517 કરોડના શેર્સ બાયબેક કર્યા
નવી દિલ્હી: કંપની દ્વારા દર વર્ષે શેરધારકો પાસેથી બાયબેક કરવામાં આવતું હોય છે ત્યારે વર્ષ 2021માં કંપનીઓ દ્વારા શેરધારકો પાસેથી શેર્સના બાયબેકની માત્રા 2015 બાદ સૌથી નીચી રહી હતી. ગત વર્ષે કુલ રૂપિયા 14341 કરોડના શેર્સના બાયબેકની કંપનીઓ દ્વારા જાહેરાત કરાઇ હતી જેમાંથી રૂપિયા 13597 કરોડના શેર્સ બાયબેક કરાયા હતા.
વર્ષ 2020ની વાત કરીએ તો કંપનીઓએ કુલ રૂપિયા 36517 કરોડના શેર્સ બાયબેક કર્યા હતા. વર્ષ 2019ની તુલનાએ 2020નો આંક પણ નીચો રહ્યો હતો. વર્ષ 2015માં 1263.15 કરોડના શેર્સ બાયબેક થયા હતા.
કંપનીઓ પોતાના શેરધારકોને બજાર કરતા ઊંચા ભાવ પૂરા પાડી તેમની પાસેના શેર્સ બાયબેક કરવા ઓફર કરતી હોય છે. પોતાની પાસે વધારાની મૂડીનો કંપનીઓ શેર્સના બાયબેકમાં ઉપયોગ કરતી હોવાનું જોવા મળે છે.
આપને જણાવી દઇએ કે, વિપ્રો, ઈન્ફોસિસ, ટીસીએસ જેવી કંપનીઓએ તાજેતરના વર્ષોમાં શેર્સ બાયબેકની ઓફર કરી હતી. ૨૦૨૧ના વર્ષમાં ભારતીય શેરબજારોએ વિક્રમી ઉછાળો હાંસલ કરી રોકાણકારોને ઊંચુ વળતર પૂરું પાડયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આર્થિક મંદી વચ્ચે વિસ્તરણ કાર્યક્રમ હાથ ધરવાને બદલે તાજેતરના વર્ષોમાં અનેક કંપનીઓ દ્વારા શેર્સ બાયબેકનો વ્યૂહ અપનાવ્યો હોવાનું પ્રાપ્ત રિપોર્ટમાં જોવા મળે છે.