- એપલને મ્હાત આપીને માઇક્રોસોફ્ટ ફરીથી ટોચ પર આવી શકે છે
- માઇક્રોસોફ્ટની વાર્ષિક આવકમાં 22 ટકાની વૃદ્વિ
- આગામી સમયમાં તેનું બજાર મૂલ્ય વધે તેવી સંભાવના
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ, ફેસબૂક જેવી ટોચની કંપનીઓનો દબદબો છે અને માર્કેટ શેરમાં પણ આ કંપનીઓ વધુ પ્રભુત્વ ધરાવે છે ત્યારે વિશ્વની ટોચની કંપની બનવા માટે પણ માઇક્રોસોફ્ટ અને એપલ વચ્ચે હોડ જામેલી છે.
હવે માઇક્રોસોફ્ટ અને એપલ વચ્ચેની હોડમાં અત્યારે માઇક્રોસોફ્ટે બાજી મારી હોવાનું લાગી રહ્યું છે. ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટ કોર્પોએ તેના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે જે મજબૂત છે. આ પરિણામો બાદ હવે નિષ્ણાંતોમાં એવો આશાવાદ જોવા મળી રહ્યો છે કે, એપલને પછાડીને માઇક્રોસોફ્ટ ફરીથી સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપની બની જશે.
કંપનીએ જાહેર કરેલા પરિણામો અનુસાર ખાસ કરીને ક્લાઉડ કારોબારના ફળ સ્વરૂપે માઇક્રોસોફ્ટની આવક વાર્ષિક ધોરણે 22 ટકા વધીને 45.3 અબજ ડૉલર થઇ છે.
બુધવારના શેરભાવના 2%ના ઉછાળા બાદ માઈક્રોસોફ્ટની માર્કેટ કેપિટલ એટલેકે કંપનીનું વર્તમાન બજાર મૂલ્ય 2.33 લાખ કરોડ ડોલરને પાર નીકળ્યું છે. આ સાથે કંપની વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન કંપની તરીકે યથાવત છે.