1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગ મુદ્દે હાઈકોર્ટનું આકરુ વલણ, બંગાળ સરકારને આપી ડેડલાઈન
બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગ મુદ્દે હાઈકોર્ટનું આકરુ વલણ, બંગાળ સરકારને આપી ડેડલાઈન

બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગ મુદ્દે હાઈકોર્ટનું આકરુ વલણ, બંગાળ સરકારને આપી ડેડલાઈન

0
Social Share

કોલાકાતા, 29 જાન્યુઆરી 2026: ભારત-બાંગ્લાદેશ સરહદ પર વધતી જતી ઘૂસણખોરી અને તસ્કરીની ઘટનાઓ રોકવા માટે કલકત્તા હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરહદ પર ફેન્સિંગ કરવા માટે કેન્દ્રના ફંડથી ખરીદવામાં આવેલી તમામ જમીન 31 માર્ચ, 2026 સુધીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ને સોંપી દેવામાં આવે.

ચીફ જસ્ટિસ સુજોય પોલ અને જસ્ટિસ પાર્થ સારથી સેનની ડિવિઝન બેન્ચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય સુરક્ષા માટે દરેક સેકન્ડ કિંમતી છે. સરહદને રાજકારણ, ચૂંટણી કે અહંકાર સાથે કોઈ લેવાદેવા નથી. ચૂંટણી પ્રક્રિયા કે વહીવટી વિલંબને BSFને જમીન સોંપવામાં અવરોધ તરીકે સ્વીકારી શકાય નહીં. વિલંબની દરેક સેકન્ડ દેશની સુરક્ષાને નબળી પાડી રહી છે.”

પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદનો સૌથી લાંબો હિસ્સો (2,216.70 કિમી) આવેલો છે, જે રાજ્યના નવ જિલ્લાઓમાં ફેલાયેલો છે. આ સરહદના મોટા ભાગ પર હજુ પણ ફેન્સિંગ નથી. ભાજપ લાંબા સમયથી મમતા બેનર્જી સરકાર પર આરોપ લગાવી રહી છે કે રાજ્ય સરકાર જમીન સંપાદનમાં વિલંબ કરીને સરહદ સુરક્ષાના કામમાં અવરોધ ઉભો કરી રહી છે. એક જાહેર હિતની અરજી દ્વારા કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે ફેન્સિંગના અભાવે નશીલા પદાર્થોની તસ્કરી અને ગેરકાયદેસર ઘૂસણખોરીના કેસોમાં ધરખમ વધારો થયો છે.

અરજીમાં રાજ્યસભામાં રજૂ કરાયેલા ડેટાનો હવાલો આપીને જણાવાયું છે કે 2023, 2024 અને જુલાઈ 2025 સુધીમાં ઘૂસણખોરી કરતા પકડાયેલા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. આ ડેટાને ગંભીરતાથી લઈને કોર્ટે આકરી ડેડલાઈન નક્કી કરી છે. હાઈકોર્ટના આ આદેશથી હવે પશ્ચિમ બંગાળ સરકાર પર દબાણ વધ્યું છે. સરહદ સુરક્ષિત થવાથી માત્ર બંગાળ જ નહીં પરંતુ સમગ્ર ભારતની આંતરિક સુરક્ષા વધુ મજબૂત બનશે. હવે જોવાનું એ રહેશે કે બંગાળ સરકાર 31 માર્ચની સમયમર્યાદામાં જમીન સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરે છે કે કેમ.

આ પણ વાંચોઃ સુરતના પાલનપુર વિસ્તારમાં 30 વર્ષની ગેરન્ટીવાળો રોડ 7 મહિનામાં બેસી ગયો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code