Site icon Revoi.in

ટેરિફ મામલે કેલિફોર્નિયાએ ટ્રમ્પ સરકાર સામે દાવો દાખલ કર્યો

Social Share

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી માત્ર અન્ય દેશો જ નહીં, પરંતુ અમેરિકાના રાજ્યો પણ ખૂબ પરેશાન છે. પરિસ્થિતિ એવી છે કે, કેલિફોર્નિયા રાજ્યએ લાદવામાં આવેલા ટેરિફને રોકવા માટે ફેડરલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. રાજ્યનો આરોપ છે કે, રાષ્ટ્રપતિએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. આનાથી માત્ર તેમના રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર અમેરિકાના અર્થતંત્રને ભારે નુકસાન થઈ રહ્યું છે.

તાજેતરના ભૂતકાળમાં, ડોનાલ્ડ ટ્રમ્પે દસ ટકાથી લઈને ઊંચા દરો સુધીના ટેરિફ લાદ્યા છે. અમેરિકાના લગભગ તમામ રાજ્યો આ ટેરિફથી પરેશાન છે, પરંતુ હવે કેલિફોર્નિયા ખુલ્લેઆમ ટેરિફના વિરોધમાં બહાર આવ્યું છે. ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા મુકદ્દમામાં, કેલિફોર્નિયા રાજ્યએ જણાવ્યું હતું કે બંધારણ મુજબ, ફક્ત કોંગ્રેસને જ ટેરિફ લાદવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિને આ કરવાનો કોઈ અધિકાર નથી. રાષ્ટ્રપતિએ ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટનો ઉલ્લેખ કરીને ટેરિફ લાદ્યા છે, જે ખોટું છે. આ કાયદો રાષ્ટ્રપતિને પોતાની મરજી મુજબ ટેરિફ લાદવાનો અધિકાર આપતો નથી.

નોંધનીય છે કે, કેલિફોર્નિયા અમેરિકામાં સૌથી વધુ માલ આયાત કરે છે. 40 ટકા આયાત તેના 12 બંદરો દ્વારા થાય છે. તેથી, આ રાજ્ય ટેરિફ લાદવાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. આ ટેરિફ રાજ્યના અર્થતંત્ર તેમજ નોકરીઓ પર અસર કરી શકે છે. બીજી તરફ, વ્હાઇટ હાઉસે આ મામલો કોર્ટમાં પહોંચવા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. સરકારના પ્રવક્તા કુશ દેસાઈએ કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂજમ ને જણાવ્યું હતું કે, તેમના રાજ્યમાં ગુના ચરમસીમાએ છે. લોકો મોંઘવારીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. તેમણે રાજ્યની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ટેરિફ રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેમના આ પગલાને કોઈપણ સંજોગોમાં વાજબી ઠેરવી શકાય નહીં.

Exit mobile version