Site icon Revoi.in

અમદાવાદમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારો ઉમટી પડ્યાં

Social Share

અમદાવાદ, 2 એપ્રિલ 2026: BJP’s sensitization process for candidate selection  અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. આજથી શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. ટિકિટ મેળવવા ઈચ્છુક દાવેદારો વહેલી સવારથી જ નિરીક્ષકો સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે ઉમટી પડ્યા હતા. ઉમેદવારોને ધસારો જોઈને નિરીક્ષકો પણ મુંઝવણમાં મુકાયા છે.

અમદાવાદ મહાનગરપાલિકાની 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભાજપે ઉમેદવારી પસંદગીની કવાયત હાથ ધરી છે. ભાજપ દ્વારા  શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ખેતી બેન્ક ખાતે સવારે 9:30 વાગ્યાથી સેન્સ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયાના નિરીક્ષણ અને કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે પ્રક્રિયાની સમીક્ષા કરી ઉમેદવારો સાથે વાતચીત કરી હતી.

ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે જોધપુર, વેજલપુર, સરખેજ, મકતમપુરા, ચાંદલોડિયા, સાબરમતી અને રાણીપ વોર્ડ માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે સાંજના સમયે ચાંદખેડા વોર્ડમાં સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.

આજે સવારથી જ સાયન્સ સિટી રોડ પર આવેલા આર.કે. હોલ અને નારણપુરા સ્થિત ખેતી બેન્ક ખાતે દાવેદારો અને તેમના સમર્થકોની મોટી ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ચાંદલોડિયા વોર્ડ માટે મોટી સંખ્યામાં કાર્યકરો વહેલી સવારથી જ પોતાની દાવેદારી નોંધાવવા પહોંચી જતાં રાજકીય માહોલ ગરમાયો હતો.

Exit mobile version