Site icon Revoi.in

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં કાર્બોસેલનું ખનન પકડાયુ

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજચોરીના બનાવો વધતા જાય છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભુ-માફિયાઓ દ્વારા ખનિજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈ મુળી પોલીસ અને ખનીજ વિભાગ દ્વારા ભેટ ગામની સીમમાં દરોડા પાડીને ગેરકાયદેસર કાર્બોસેલના કુવા ઝડપી પાડયા હતા અને ગેરકાયદેસર કાર્બોસેલના 10 કુવાઓ, 10-ચરખી, 3-ટ્રેકટર, કંમ્પ્રેસર, બાઈક સહિત કુલ રૂપિયા 19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં નવ વ્યક્તિઓ સામે ગુનોં નોંધવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, મુળી પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમિયાન ભેટ ગામની સીમમાં રેઈડ કરતા ગેરકાયદેસર કાર્બોસેલના 10 કૂવાઓ પર ખનન થતું હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગે જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમને જાણ કરતા સ્થળ પર આવી તપાસ હાથધરી હતી. જે દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલના 10 કૂવાઓ પરથી ખનન દરમિયાન ઉપયોગમાં લેવાયેલી 10-ચરખી, 3-ટ્રેકટર, 1-કંમ્પ્રેસર, 1-બાઈક, લોખંડા પાઈપ નંગ-20 સહિત કુલ રૂપિયા 19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગેરકાયદેસર  કાર્બોસેલનું ખનન કરનાર 9 શખ્સો (1) મનસુખભાઈ સોમાભાઈ (2) વિરમભાઈ છનાભાઈ સાપરા (3) સુરેશભાઈ કાળુભાઈ દુધરેજીયા (4) અરવિંદભાઈ ધીરૃભાઈ દુમાદીયા (5) જનકભાઈ શીવાભાઈ ગાંગડીયા (6) ખોડાભાઈ વાલજીભાઈ શિયાળ (7) ભરતભાઈ બાબુભાઈ દુમાણીયા તમામ રહે.ભેટ તા.મુળી અને (8) મેરૃભાઈ ભલાભાઈ સાપરા રહે.સારસાણા તા.થાન અને (9) દિનેશભાઈ એસ.ધોળીયા રહે.ગાંજીયાવદર તા.વાંકાનેરવાળા સામે કાયદેસરી કાર્યવાહી હાથધરી છે.