
પાકિસ્તાનમાં ઈદ પૂર્વે બેંકોમાં રોકડની અછત, લોકો એક ATMથી બીજા ATM ધક્કા ખાવા બન્યા મજબુર
નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનના શાસકો આર્થિક મદદ માટે દુનિયાના વિવિધ દેશો સામે નજર દોડાવી રહ્યાં છે, એટલું જ નહીં આર્થિક મદદ માટે હાથ લાંબો કરતા પણ શાસકો અચકાતા નથી. બીજી તરફ પાકિસ્તાનની પ્રજા પણ જીવન જરુરી વસ્તુઓ માટે વલખા મારી રહ્યાં છે. હવે ઈદના તહેવાર પહેલા પાકિસ્તાનની જનતાને બેંકમાંથી પુરતી રકમ પણ નહીં મળતી હોવાની ફરિયાદો ઉઠી છે, એટલું જ નહીં બેંકમાં રોકડની અછત ઉભી થયાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદ પહેલા પાકિસ્તાનના લોકો સામે રોકડની ભારે તંગી ઉભી થઈ છે. દેશની વ્યાપારી રાજધાની કરાચીમાં બેંક એટીએમ ખાલી પડ્યા છે. લોકોને રોકડ ઉપાડવા માટે એક એટીએમથી બીજા એટીએમ સુધી ભટકવું પડી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, બેંકના ગ્રાહકોએ ફરિયાદ કરી છે કે, ઈદ પહેલા ATM સેવાઓ ઠપ થઈ ગઈ છે. પાકિસ્તાનમાં 29 મેના રોજ ઈદ-ઉલ-અઝહા મનાવવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સમાં રોકડની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોને જણાવ્યું હતું કે, “ઈદ પહેલા એટીએમ ખોટકાયાં છે. સવારથી ઘણી વખત એટીએમમાં ગયા પરંતુ ત્યાં રોકડ ઉપલબ્ધ નથી.” આવા પ્રસંગોએ લોકો એટીએમમાંથી વધુ રોકડ ઉપાડે છે જેથી કરીને તેઓ બલિદાન માટે રોકડમાં બકરા ખરીદી શકે, પરંતુ રોકડની કટોકટીનો સામનો કરી રહેલા દેશની બેંક એટીએમ પણ આ વર્ષે ખોટકાયાં છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન આ વર્ષે 29 જૂન (ગુરુવાર)ના રોજ ઈદ મનાવશે. પરંતુ તે પહેલા 28 જૂનથી સરકારે ચાર દિવસની રજા જાહેર કરી છે. જેના કારણે બેંક એટીએમમાં રોકડની સમસ્યા વધુ ગંભીર બની છે. આ પહેલા સરકારે ત્રણ દિવસની રજા જાહેર કરી હતી. હવે બેંકો 3 જુલાઈએ ખુલશે.
દરમિયાન, પાકિસ્તાનને IMF તરફથી નાણાકીય સહાય મળવાની અપેક્ષા વધી ગઈ છે. પાકિસ્તાનમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ મિશનના વડા, નાથન પોર્ટરે કહ્યું છે કે, પાકિસ્તાની સત્તાવાળાઓ સાથે આઈએમએફ તરફથી નાણાકીય સહાય પર વહેલા કરાર પર પહોંચવાના ઉદ્દેશ્ય સાથે ચર્ચા ચાલી રહી છે. 30 જૂન સુધી IMF સાથે પેકેજ ડીલ માટે સમયમર્યાદા છે. નાણાકીય વર્ષ પણ 30 જૂને સમાપ્ત થઈ રહ્યું છે. રેટિંગ એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રીઓને ડર છે કે પાકિસ્તાન, 350-બિલિયન ડોલરનું અર્થતંત્ર આંતરરાષ્ટ્રીય ડિફોલ્ટર બની શકે છે અને જો તે એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) ના 1.1 ડોલર લોન ટ્રાંન્ચ મેળવવામાં નિષ્ફળ જાય તો બાહ્ય દેવાની જવાબદારીઓ પર ડિફોલ્ટ રહી શકે છે.