
CBSEએ ધો.10 અને 12માં 30 ટકા કોર્ષ ઘટાડ્યો પણ ગુજરાત બોર્ડ કેમ સિલેબર્સ ઘટાડતી નથી?
અમદાવાદઃ ગુજરાતમાં ધો. 6થી12ની શાળાઓમાં ઓફલાઈન વર્ગો દિવાળી પહેલાથી શરૂ થઈ ગયા છે. જોકે ઓફલાઈન સ્કૂલો શરૂ કરી છે તેની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું છે. પરંતું કોરોનાને કારણે બાળકોના શિક્ષણ પર સૌથી મોટી અસર થઈ હોવાથી CBSE બોર્ડ દ્વારા 30 ટકા કોર્સ ઘટાડવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડે કોર્સ ઘટાડવા ગત વર્ષે સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી. તેની માટે એક સમિતિની રચના પણ કરી હતી. પરંતુ ડિસેમ્બર મહિનામાં ફોર્મ ભરવાનો સમય પણ નજીક આવ્યો છે. ત્યારે કોર્સ ક્યારે ઘટશે તેની વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે. ત્યારે વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને કોર્સ ઘટાડવા માટે પત્ર લખવામાં આવ્યો છે.
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખે શિક્ષણમંત્રીને એવી રજુઆત કરી હતી કે, દેશભરમાં 20 મહિનાથી કોરોના મહામારી ચાલી રહી છે. અત્યારે ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશના શિક્ષણ વિભાગ દ્વારા CBSE બોર્ડમાં 30 ટકા કોર્ષ ઘટાડવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ પર ભારણ ઓછું પડે. ગુજરાતમાં પણ ધો.10 અને 12ના ધોરણમાં 30 ટકા કોર્ષ ઘટાડવાની જાહેરાત કરવી જોઈએ.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ધોરણ 6થી 12નું ઓફલાઇન શિક્ષણ શરૂ તો કરવામાં આવ્યું છે, પણ ધોરણ 10 અને 12માં 25 ટકા વિદ્યાર્થીઓ પણ ઓફલાઇનમાં અભ્યાસ કરવા આવતા નથી અને હજુ ઓનલાઇન જ ભણી રહ્યા છે, એ સંજોગોમાં ધો.10 અને 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવાની વિચારણા છે. ધો.10માં 9 લાખ તથા ધો.12માં 7 લાખ વિદ્યાર્થી છે. CBSE બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત એને અનુસરે એવી શક્યતા છે. બોર્ડ અભ્યાસક્રમમાં કાપ મુકવા સંબધિત ભલામણ માટે શિક્ષણ બોર્ડ દ્વારા સમિતિ બનાવવામાં આવી છે. તેના દ્વારા શિક્ષણ બોર્ડને ભલામણ રીપોર્ટ આપવામાં આવશે. સમિતિ દ્વારા અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાની ભલામણ કરવામાં આવે તેવી શક્યતા છે.