સીડીએસ બિપિન રાવતની ચેતવણી – કહ્યું, ‘સતર્ક રહેવું પડશે નહી તો તાલિબાન જેવી અસર જમ્મુ-કાશ્મીરમાં થઈ શકે છે’
- જમ્મુ કાશ્મીરને લઈને સીડીએસ બિપિન રાવતની ચેતવણી
- સાવચેત રહેવું પડશે નહી તો તાલિબાનની ઈફેક્ટ જોવા મળી શકે
શ્રીનગર – કાશ્મીરની સ્થિતિને લઈને હાલ ઘણી રણનિતીઓ બનાવવામાં આવી રહી છે, હાલ ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંની મુલાકાતે છે ત્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે વિતેલા દિવસને શનિવારે એક કાર્યક્રમમાં અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે જાગ્રત રહેવાનું જણાવ્યું હતું. કારણ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની સ્થાપના બાદ બદલાયેલા સંજોગોમાં જમ્મુ-કાશ્મીરમાં પણ તેની અસર જોવા મળી શકે છે.
પ્રથમ રવિકાંત સિંહ મેમોરિયલ લેક્ચર આપતા રાવતે કહ્યું કે આજે અફઘાનિસ્તાનમાં જે કંઈ થઈ રહ્યું છે તેની અસર આવતીકાલે જમ્મુ અને કાશ્મીર પર પડી શકે છે. આપણે આ માટે તૈયાર રહેવું પડશે. આપણે આપણી સીમાઓ સીલ કરવી પડશે, હવે મોનિટરિંગ ખૂબ જ જરૂરી બની ગયું છે. બહારથી કોણ આવે છે તે જોવા માટે આપણે આંખો ખુલ્લી રાખવી પડશે. અને કડક ચેકિંગ કરવું પડે છે.
પોતાના વ્યાખ્યાનમાં ચીન અને પાકિસ્તાનનો પણ કર્યો ઉલ્લેખ
જમ્મુ કાશ્મીરને લઈને ચિંતા વ્યક્ત કરતા જનરલ રાવતે કહ્યું હતું કે સત્તા મેળવવાની ચીનની વૈશ્વિક સ્તરની મહત્વાકાંક્ષાઓને કારણે દક્ષિણ એશિયાની સ્થિરતા સર્વવ્યાપી જોખમમાં છે. ચીન એક ઉભરતી વૈશ્વિક મહાસત્તા તરીકે પોતાનું સ્થાન મજબૂત કરવા માટે દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઊંડે સુધી કામ કરી રહ્યું છે. જનરલ બિપિન રાવતે કહ્યું કે મ્યાનમાર અને પાકિસ્તાન સાથે ચીનના સંબંધો અને બાંગ્લાદેશ પર તેની પ્રતિકૂળ કાર્યવાહી પણ ભારતના હિતમાં નથી. તેમણે કહ્યું કે ચીન પાસેથી સૌથી વધુ લશ્કરી સાધનો મેળવતા મ્યાનમાર અને પાકિસ્તાન વૈશ્વિક મંચ પર તેની પાસેથી સમર્થન મેળવે છે.
સીડીએસ એ ભારત-પાકિસ્તાન સંબંધો પર કહ્યું કે, પાકિસ્તાન સરકાર દ્વારા પ્રાયોજિત આતંકવાદ બંને દેશો વચ્ચેની શાંતિ પ્રક્રિયામાં અવરોધ છે. પાકિસ્તાન સાથે ચીનની ભાગીદારી અને જમ્મુ-કાશ્મીર અંગેના તેના વલણને ભારત વિરોધી જોડાણ તરીકે શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ પોતે જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે છે. શનિવારે તેઓ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસકર્મી પરવેઝ ડારના પરિવારને મળ્યા અને કહ્યું કે આખો દેશ તમારી સાથે છે. આ સિવાય તેમણે કાશ્મીર ઘાટીમાં સુરક્ષા સ્થિતિની પણ સમીક્ષા કરી છે.ત્યારે સીડીએસ રાવતે પણ કાશ્મીર અંગે ચિંતા કરી હતી અને સાવચેત સતર્ક રહેવા જણઆવ્યું હતું