સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી
અમદાવાદઃ ગુજરાતના શુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં આજે મહાશિવરાત્રી પર્વની ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સોમનાથ દાદાના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. સમગ્ર વિસ્તાર હર હર મહાદેવ અને જય શોમનાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યું હતું. સોમનાથ દાદાના દર્શન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ એક લાખથી વધુ શિવભક્તોએ ઓનલાઇન બિલ્વપૂજા નોંધાવી હતી. ભક્તોના દર્શન માટે સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે.
આ વર્ષે મહાશિવરાત્રી પર્વને લઈ સોમનાથમાં ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. તો દિવસ દરમિયાન ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખીયાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાઘ પૂજન, શોભાયાત્રા, સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં ભગવાન સોમનાથ દાદાની પાલખીયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યાં હતા. દેવાધિદેવના વિશેષ પૂજનનો દિવસ એટલે મહા શિવરાત્રીનું પર્વ, આજના દિવસે ભાવિક ભક્તજનો વહેલી સવારથી ગીર સોમનાથ ખાતે આવેલા સ્વ્યંભૂ મહાદેવ સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડ્યા હતા. લાખો ભક્તોએ સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન કર્યાં હતા.