વસ્તી ગણતરી-2027નો તખ્તો તૈયાર, જાણો અહીં તમામ વિગતો
પ્રથમ તબક્કામાં ઘરને લગતી માહિતી એકત્ર કરવામાં આવશે
નાગરિકો આગામી 15 દિવસમાં પોર્ટલ દ્વારા જાતે પણ ઘરની વિગતો ભરી શકશે
તમામ વિગતો સંપૂર્ણ ગુપ્ત રહેશે, ડેટા સુરક્ષિત રાખવા તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સરકારનું આશ્વાસન
36 રાજ્ય
784 જિલ્લા
7,092 પેટા-જિલ્લા
5,128 સ્ટેચ્યુટરી નગરો
4,580 સેન્સસ નગરો
6,39,902 ગામડાં
નવી દિલ્હી, 30 માર્ચ 2026: ભારત સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરી 2027 માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ હશે અને નાગરિકોની અંગત માહિતીની સુરક્ષા માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

વસ્તી ગણતરી કમિશનરે ‘વસ્તી ગણતરી અધિનિયમની કલમ 15’ નો હવાલો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, વસ્તી ગણતરી દરમિયાન એકત્ર કરવામાં આવેલી કોઈપણ વ્યક્તિગત વિગતો સંપૂર્ણ ગોપનીય રહેશે. આ માહિતી RTI હેઠળ શેર કરી શકાશે નહીં. એટલું જ નહીં કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાશે નહીં. આ ઉપરાંત અન્ય કોઈ સંસ્થા કે એજન્સી સાથે વહેંચવામાં આવશે નહીં.

સ્વતંત્રતા પછીની આ આઠમી વસ્તી ગણતરી બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો (હાઉસ લિસ્ટિંગ) 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર વચ્ચે 45 દિવસ સુધી ચાલશે. જેમાં ઘરના પ્રકાર અને સુવિધાઓ અંગે 33 પ્રશ્નો પૂછવામાં આવશે. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027 માં શરૂ થશે, જેમાં વ્યક્તિગત વિગતો જેવી કે નામ, ઉંમર, શિક્ષણ, ધર્મ, જાતિ અને વ્યવસાયની વિગતો લેવામાં આવશે.
ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે સોમવારે (30 માર્ચ, 2026) જણાવ્યું હતું કે 2027 ની વસ્તી ગણતરી માટેની પ્રવૃત્તિઓ એડવાન્સ સ્ટેજ પર છે. તેમણે ઉમેર્યું કે વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની ફિલ્ડ કામગીરી 1 એપ્રિલથી કેટલાક રાજ્યોમાં શરૂ થશે.

તેમણે નોંધ્યું હતું કે 2027 ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે, જેમાં આ વખતે ગણતરી ડિજિટલ રીતે કરવામાં આવશે.
ડિજિટલ ગણતરી અને સેલ્ફ-ન્યુમરેશન
પ્રથમ તબક્કો અંતિમ ગણતરીના તબક્કા માટે એક માળખા તરીકે કામ કરશે, જેમાં આશરે 31 લાખ ગણતરીકારો (enumerators) અને સુપરવાઈઝર તથા 1 લાખથી વધુ વસ્તી ગણતરી અધિકારીઓ આ પ્રક્રિયામાં ભાગ લેશે. આ ઉપરાંત, આ વખતે રહેવાસીઓ ‘સેલ્ફ-ન્યુમરેશન’ (સ્વ-ગણતરી) પણ કરી શકશે. સેલ્ફ-ન્યુમરેશનની સુવિધા માત્ર દેશમાં વસતા લોકો માટે જ ઉપલબ્ધ રહેશે.

પ્રક્રિયાની મુખ્ય વિગતો:
ગણતરીકારો ડેટા એકત્રિત કરવા માટે વ્યક્તિગત મોબાઈલ ફોનનો ઉપયોગ કરશે.
સેલ્ફ-ન્યુમરેશન પોર્ટલ 16 ભાષાઓમાં ઉપલબ્ધ હશે, જેના માટે 16-અંકનો ID જનરેટ કરવામાં આવશે.
જ્યારે ગણતરીકાર ઘરની મુલાકાત લેશે, ત્યારે તે ID તેમને સોંપવાનો રહેશે જેથી માહિતીની ચકાસણી કરી શકાય.
વસ્તી ગણતરી દરમિયાન કોઈ દસ્તાવેજો કે પુરાવા સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.
ડેટાની ગુપ્તતા
વસ્તી ગણતરીનો ડેટા ગુપ્ત રહેશે અને કોઈની સાથે શેર કરવામાં આવશે નહીં તેવી ખાતરી આપતા શ્રી નારાયણે કહ્યું કે લોકો સત્યતાપૂર્વક ડેટા શેર કરે તે અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું હતું કે, “વસ્તી ગણતરી દરમિયાન આપવામાં આવેલા ડેટાની તપાસ (investigation) માટે કોઈ અવકાશ નથી.”
2011 પછીની આ પ્રથમ વસ્તી ગણતરી છે, કારણ કે 2021 માં નિર્ધારિત કવાયતમાં શરૂઆતમાં કોવિડ-19 રોગચાળાને કારણે વિલંબ થયો હતો. દેશના આયોજન અને વિકાસ માટે વસ્તીના સચોટ આંકડા હોવા અત્યંત મહત્ત્વનું છે. આ પ્રક્રિયામાં દરેક નાગરિકનો સહકાર વાજબી અને જરૂરી છે.
આ વખતની વસ્તી ગણતરીમાં સામાજિક બદલાવને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જો કોઈ કપલ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતું હોય અને તેઓ તેમના સંબંધને કાયમી માનતા હોય, તો તેમને વસ્તી ગણતરીમાં ‘પરિણીત’ તરીકે જ નોંધવામાં આવશે.
સરકારે આ કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કડક ચેતવણી જારી કરી છે. વસ્તી ગણતરીમાં વિલંબ, ડેટાનો દુરુપયોગ કે નાગરિકોને વાંધાજનક પ્રશ્નો પૂછવા બદલ રૂ. 1,000 ના દંડથી લઈને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
આ વખતે નાગરિકો પાસે ‘સેલ્ફ-એન્યુમરેશન’ની સુવિધા હશે, એટલે કે લોકો પોતે પોર્ટલ પર જઈને પોતાની માહિતી નોંધાવી શકશે. આનાથી ગણતરીકારો પર નિર્ભરતા ઘટશે અને ડેટા વધુ સચોટ બનશે. સમગ્ર દેશમાં આશરે 30 લાખ કર્મચારીઓ મોબાઈલ એપ દ્વારા આ મહા-અભિયાનમાં જોડાશે.


