Site icon Revoi.in

વડોદરામાં ચેઈન સ્નેચિંગ અને વાહનોની ચોરી કરતો રિઢો આરોપી પકડાયો

Social Share

વડોદરા, 15 એપ્રિલ 2026: Accused of chain snatching and vehicle theft arrested  શહેરમાં ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરીના બનાવો વધતા ગુના ડિટેઈન કરવા માટે માટે પોલીસ કમિશનરે સુચના આપતા પોલીસે ચેઈન સ્નોચિંગ અને વાહનોની ચોરી કરતા રિઢા આરોપીને પકડી પાડ્યો છે. આ રિઢો આરોપી અમદાવાદમાં પોતાની જ પત્ની પર છરી વડે હુમલાના ગુનામાં વોન્ટેડ હતો. અને વડોદરા શહેરમાં આરોપી ચોરી કરેલી સુઝુકી એક્સેસ મોપેડ પર ફરી રહ્યો હતો અને ચોરીની સોનાની ચેઇન વેચવાના ઇરાદે ફરતો હતો, ત્યારે ઝાપડાઈ ગયો હતો. આ મામલે શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે માહિતી મળી હતી કે અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં ઝડપાયેલ ફૈઝાન ઉર્ફે પંડિત શેખ (રહે. અમદાવાદ) હાલ વડોદરામાં છુપાયો છે અને તેની પાસે શંકાસ્પદ સોનાની ચેઇન અને બાઈક છે. અને આરોપી ભુતડીઝાંપા મેદાન પાસે બાલગોકુલમ નજીક રોડ પર ઊભો રહી ચેઇન વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસ.એમ. ગામેતી, પીઆઇ ડી.જે.ચુડાસમા અને પીઆઇ આર.એસ.ગોહીલના માર્ગદર્શન હેઠળ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસને જોઈ આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ ટીમે ઘેરીને તેને ઝડપી લીધો હતો.

ક્રાઈમ બ્રાન્ચના હાથે પકડાયેલો આરોપી ફૈઝાન ઉર્ફે પંડિત મહમંદહુસેન શેખ (ઉંમર 25, રહે. જીશાન રેસીડેન્સી, ફતેવાડી, વેજલપુર, અમદાવાદ, હાલ રહે. અલસુકુન એપાર્ટમેન્ટ, ફતેવાડી, અમદાવાદ)ની તપાસ દરમિયાન તેના પાસેથી તૂટેલી હાલતમાં સોનાની ચેઇન મળી આવી હતી. ચેઇન તથા બાઈકના દસ્તાવેજો માંગતા તે રજૂ કરી શક્યો ન હતો, જેથી પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબુલાત કરી હતી કે,  પોતાના બે સાગરીતો સાથે મળીને અકોટા-મુજમહુડા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી સુઝુકી એક્સેસ સ્કૂટરની ચોરી કરી હતી. ત્યારબાદ બીજા જ દિવસે સવારે કારેલીબાગ વિસ્તારમાં ચાલતા જતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી લૂંટી હતી.

આ ઉપરાંત આરોપી વિરુદ્ધ તા. 7 એપ્રિલ 2026ના રોજ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં તેની પત્ની પર છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જે અંગે પણ ગુનો નોંધાયેલો છે, જેમાં તે ફરાર હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી કુલ રૂપિયા 1.35 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂપિયા 1.05 લાખની સોનાની ચેઇન અને રૂપિયા 30 હજારની સુઝુકી એક્સેસ સ્કૂટરનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદ, વડોદરા અને ભરૂચમાં ચેઇન સ્નેચિંગ, ખંડણી, મારામારી અને ચોરી જેવા કુલ 19 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ છે. તેમજ તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તે બે વખત પાસામાં પણ મોકલાયો હતો.

Exit mobile version