Site icon Revoi.in

ગુજરાતમાં નવચરિત તાલુકાઓના કેટલાક ગામોમાં ફેરફાર કરાયો

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નવરચિત તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં અંગે મંજૂરી આપવામાં આવી હતી.

વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના મોટા ક્ષેત્રફળ ધરાવતા તાલુકાઓમાં ભૌગોલિક અંતરના કારણે નાગરિકોને વહીવટી કામો અર્થે તાલુકા મુખ્ય મથક પર આવવા જવા માટે સમય, શક્તિ અને નાણાનો વ્યય થાય છે. આ પરિસ્થિતિના ઉકેલ માટે અને પ્રજાને ત્વરીત સેવા મળી રહે, વિકાસની પ્રક્રિયા ઝડપી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા તા.24-09-2025ના જાહેરનામાથી ખેડા, સુરત અને મહીસાગર જિલ્લામાં અનુક્રમે ફાગવેલ, અરેઠ, ગોધર અને કોઠંબા તાલુકાની રચના કરવામાં આવી હતી

આ નિર્ણયના સંદર્ભમાં કલેક્ટર અને સરકારને મળેલ વિવિધ રજૂઆતો, નાગરિકોની લાગણીઓ અને વહીવટી અનુકૂળતા ધ્યાને લઈ તાલુકાના ગામોમાં કેટલાક વાજબી ફેરફાર કરવામાં આવ્યા છે. વધુમાં ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ)ના બદલે ‘ફાગવેલ’ રાખવા માટે પણ કેબિનેટ બેઠકે મંજૂરી આપી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, કલેક્ટર સુરત, મહિસાગર અને ખેડા ટૂંક સમયમાં જાહેરનામું  બહાર પાડીને આ નિર્ણય અમલી બનાવવામાં આવશે.