છત્તીસગઢઃ આયર્ન ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 7 શ્રમિકો ભડથું
રાયપુર, 22 જાન્યુઆરી 2026: છત્તીસગઢના બલોદાબજાર-ભાટાપારા જિલ્લામાં બકુલાહી (નિપનિયા) સ્થિત ‘રિયલ ઈસ્પાત’ સ્પોન્જ આયર્ન ફેક્ટરીમાં થયેલા જોરદાર ધડાકાએ 7 મજૂરોનો ભોગ લીધો છે. આ ભીષણ વિસ્ફોટમાં અનેક શ્રમિકો ગંભીર રીતે દાઝયા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફેકટરીમાં સવારે રાબેતા મુજબ શ્રમજીવીઓ કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક સ્પોન્જ આયર્ન યુનિટમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો ભયાનક હતો કે પ્લાન્ટનો એક મોટો હિસ્સો પળવારમાં કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. વિસ્ફોટનો અવાજ આસપાસના કિલોમીટરો સુધી સંભળાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બ્લાસ્ટને પગલે ફેકટરીમાં પણ નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ભાટાપારા ગ્રામીણ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
બચાવ કામગીરી દરમિયાન અંદરથી સાત જેટલા શ્રમજીવીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. હજુ પણ કેટલાક મજૂરો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે, જેના માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
વિસ્ફોટ કયા કારણે થયો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી સમગ્ર પ્લાન્ટ પરિસરને સીલ કરી દીધું છે અને ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ઔદ્યોગિક સુરક્ષા વિભાગની ટીમ તપાસ કરશે કે આ દુર્ઘટના પાછળ કોઈ ટેકનિકલ ખામી જવાબદાર હતી કે પછી સુરક્ષાના નિયમોમાં દાખવવામાં આવેલી ઘોર બેદરકારી. આ ઘટનાને પગલે શ્રમિક આલમમાં ભારે રોષ અને શોકની લાગણી છે.
આ પણ વાંચોઃ કાશ્મીરના ડોડામાં સૈનાનું વાહન ખીણમાં ખાબક્યું, ચાર જવાન શહીદ


