Site icon Revoi.in

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ડેવલપ અંગે મુખ્યમંત્રીનો જાપાનના ડિલિગેશન સાથે પરામર્શ

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની મુલાકાત જાપાનના ઈવાટે પ્રીફેક્ચરના વાઇસ ગવર્નર શ્રીયુત સાસાકી જૂનના નેતૃત્વમાં JICAના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી.

આ પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઇન્ડિયા-2025માં સહભાગી થવા ભારત આવેલું છે. તે દરમિયાન તેમણે રાજ્યમાં કાર્યરત જાપાનીઝ સેમિકોન ઇન્ડસ્ટ્રીઝનો મુલાકાત પ્રવાસ યોજ્યો હતો.

આ ડેલીગેશન ધોલેરા SIRમાં કાર્યરત સેમિકોન ઉદ્યોગોની સ્થળ મુલાકાત લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા જાપાનીઝ ઉદ્યોગોને મળી રહેલા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્યમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના ઝડપથી વધી રહેલા વ્યાપથી પણ આ ડેલિગેશન પ્રભાવિત થયું છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત-જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોથી રાજ્યમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં જાપાનીઝ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે તેમ બેઠકની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું.

ગુજરાત ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ ધરાવતું રાજ્ય છે અને સેમિકન્ડક્ટર હબ બનવાની પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.

આ સંદર્ભમાં તેમણે રાજ્યમાં સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ વધુ સંગીન બનાવવા માટે જાપાનના ઇવાટે પ્રીફેક્ચર સાથે ટેકનિકલ સપોર્ટ, સ્કીલ ડેવલપમેન્ટ માટે પ્રેક્ટીકલ નોલેજ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ જેવા ક્ષેત્રોમાં લાંબા ગાળાના પરસ્પર સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  એમ. કે. દાસ, નાણાં વિભાગના અગ્ર સચિવ  ટી. નટરાજન, સાયન્સ એન્ડ ટેકનોલોજીના સચિવ શ્રીમતી પી. ભારતી અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

 

Exit mobile version