Site icon Revoi.in

પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડી- પીલવઈ ફોરલેન માર્ગનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડીને પીલવાઈ સાથે જોડતા 4.45 કિલોમીટર રોડને રૂપિયા 20 કરોડના ખર્ચે ફોર લેન થવાની કામગીરી પૂર્ણ થતા આ માર્ગનું રવિવારે લોકાર્પણ કર્યું હતું.

આ માર્ગ ચારમાર્ગીય થવાથી  મહૂડી તીર્થ ક્ષેત્રના દર્શને આવતા શ્રદ્ધાળુઓને વાહન યાતાયાતમાં વધુ સારી સુવિધા મળશે અને સમય તથા ઇંધણની બચત પણ થશે. એટલું જ નહીં ,અમદાવાદ-ગાંધીનગરથી વિજાપુરને જોડતા આ મુખ્ય માર્ગ ના વિસ્તૃતિકરણને કારણે ટ્રાફિકજામ થવાની સમસ્યા પણ હળવી થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ નેટવર્ક સંગીન અને સસ્ટેનેબલ બનાવવા માર્ગ અને મકાનને આપેલા દિશાનિર્દેશ અને માર્ગદર્શનમાં સિમેન્ટ કોંક્રીટના રોડ નિર્માણથી ચોમાસામાં વરસાદી પાણીની અસરોથી માર્ગો ને નુકશાન થતું અટકાવવા નો અભિગમ માર્ગ મકાન વિભાગે અપનાવ્યો છે.

તદ્દઅનુસાર, આ મહૂડી-પીલવઈ રોડ પણ સિમેન્ટ-ક્રોક્રિટનો અને મજબૂત ગુણવત્તાયુક્ત બનાવવામાં આવ્યો છે.

આ ફોરલેન કામગીરી 10 મહિનામાં પૂર્ણ થઈ છે અને દિવાળીના તહેવારો પહેલા તેનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કરતા આગામી કાળી ચૌદશે વિશાળ સંખ્યામાં મહૂડી મંદિર દર્શન માટે આવનારા યાત્રાળુઓને માટે વાહન વ્યવહાર સુલભ બનશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સમર્પણ અને સુશાસનના 24 વર્ષ પૂર્ણ થઈ 25માં વર્ષમાં પ્રવેશ અવસરે તારીખ 7 થી 15 ઓક્ટોબર રાજ્યવાપી વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે.

આ  વિકાસ સપ્તાહમાં રાજ્યભરમાં અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિકાસ સપ્તાહ અંતર્ગત આ મહુડી-પીલવઈ માર્ગના વિસ્તૃતિકરણ કામનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે માણસાના ધારાસભ્ય  જે. એસ. પટેલ તેમજ પદાધિકારીઓ અગ્રણીઓ  અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.