ગાંધીનગર, 15 મે 2026: Chief Minister orders daily monitoring of petrol and diesel stocks આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને ચર્ચાયેલા વિવિધ મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓને વધુ ગતિશીલ બનાવવા માટે કેટલાંક મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં રાજ્યમાં દરરોજ કંટ્રોલ રૂમ દ્વારા પેટ્રોલ-ડીઝલના જથ્થાનું મોનિટરિંગ કરવામાં આવે અને જરૂરિયાત મુજબ તેની સપ્લાય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે એવો મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તા. ૧૦-૧૧ મે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોની ભવ્ય સફળતા બદલ કેબિનેટ બેઠકમાં વડાપ્રધાનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમણે વડાપ્રધાનની મુલાકાતના વિવિધ આકર્ષણોની વિસ્તૃત માહિતી પણ આપી હતી.
મુખ્યમંત્રી કેબિનેટ બેઠકમાં આપેલી મહત્વની સૂચનાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના અંદાજપત્રમાં દર્શાવાયેલી નવી બાબતોનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી ઝડપથી પહોંચે તે માટે ૮૦ ટકાથી વધુ બાબતોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જ્યારે, ચૂંટણી આચારસંહિતાના કારણે જે ૨૦ ટકા બાબતો બાકી છે, તેને સત્વરે સૈદ્ધાંતિક મંજૂરી આપીને યોજનાઓને અમલમાં મૂકવા મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોને સૂચના આપી છે.
આ ઉપરાંત ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ રાજ્યમાં જ્યારે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય, ત્યારે રાજ્યનો કોઈપણ લાયક વિદ્યાર્થી તેને મળવાપાત્ર શિષ્યવૃત્તિથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા અને સતત દેખરેખ રાખવા માટે પણ મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં ઉપલબ્ધ પેટ્રોલ અને ડીઝલના જથ્થાની સમીક્ષા કરી મુખ્યમંત્રીશ્રીએ આદેશ આપ્યો છે કે, રાજ્યમાં દરરોજ કંટ્રોલ રૂમ દ્વારા પેટ્રોલ-ડીઝલના જથ્થાનું મોનિટરિંગ કરવામાં આવે અને જરૂરિયાત મુજબ તેની સપ્લાય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે.

