Site icon Revoi.in

ચિલોડો પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 1.10 લાખની લાંચ લેતા પકડાયો

Social Share

ગાંધીનગરઃ જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ શંકરસિંહ નારુકાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાંચ લેતા પકડી પાડ્યો છે. પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીના પતિને દારૂના કેસમાં વોન્ટેડ બતાવીને ત્રણ લાખની માંગ કરી હતી. જોકે, રકઝક બાદ 1.10 લાખ નક્કી થયા હતા. જે ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, ચિલાડો વિસ્તારમાં પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડના માણસો ફરિયાદીના પતિને પકડવા તેમના ઘરે ગયા હતા. તેમણે દારૂના કેસમાં મહિલાના પતિને વોન્ટેડ બતાવ્યો હતો. ફરિયાદી મહિલા તેમના વકીલ મિત્ર સાથે ચીલોડા પોલીસ સ્ટેશન ગયા હતા. તેઓ પ્રોહિબિશનના ગુનાની તપાસ કરનારા હેડ કોન્સ્ટેબલ વિષ્ણુ રબારીને મળ્યા હતા. ફરિયાદીએ પોતાના પતિનું નામ ખોટી રીતે દાખલ કરાયું હોવાની વાત કરી હતી. તેમણે પતિને હેરાન ન કરવાની વિનંતી કરી હતી. હેડ કોન્સ્ટેબલ રબારીએ કોન્સ્ટેબલ યુવરાજસિંહને મળવાનું કહ્યું હતું. અને તે યુવરાજસિંહને મળતા તેમણે પ્રથમ 3 લાખની માગણી કરી હતી. લાંબી ચર્ચા બાદ રકમ 1.10 લાખ નક્કી થઈ હતી. ફરિયાદી મહિલાએ  લાંચ આપવાને બદલે ACBનો સંપર્ક કર્યો હતો. ચીલોડા પોલીસ સ્ટેશનની સામે ACBએ ટ્રેપ ગોઠવી હતી. આરોપી કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ પકડાયો હતો.

આ કાર્યવાહી ACB ફિલ્ડ-3 (ઈન્ટે) અમદાવાદના પોલીસ ઈન્સપેક્ટર એસ.એન. બારોટના નેતૃત્વમાં થઈ હતી. તેમને પોલીસ ઈન્સપેક્ટર ડી.બી. મહેતાનો સહયોગ મળ્યો હતો

 

Exit mobile version