હોર્મુઝની ખાડીમાં નાકાબંધીની ટ્રમ્પની જાહેરાત સામે ચીને વ્યક્ત કરી નારાજગી
બેઇજિંગ, 13 એપ્રિલ 2026: ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 21 કલાકની મેરેથોન બેઠક નિષ્ફળ રહ્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવી હોર્મુઝની ખાડીમાં આજથી (13 એપ્રિલ) સૈન્ય નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પની આ ધમકી બાદ ઈરાન અને ચીન તરફથી આકરા પ્રતિભાવો સામે આવ્યા છે, જેના કારણે વિશ્વમાં યુદ્ધનો ભય વધી ગયો છે.
હોર્મુઝની ખાડીને લઈને ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જૂને મોટું નિવેદન આપતા કહ્યું છે કે, “અમારા જહાજો હોર્મુઝની ખાડીમાં સતત અવરજવર કરી રહ્યા છે. ઈરાન સાથેના અમારા વ્યાપારિક અને ઊર્જા કરારોનું અમે સન્માન કરીશું અને અપેક્ષા રાખીએ છીએ કે અન્ય કોઈ અમારા મામલામાં દખલ ન કરે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ઈરાન આ ખાડીને નિયંત્રિત કરે છે અને તે ચીન માટે ખુલ્લી છે. બીજી તરફ, ચીને ઈરાનને હથિયારો સપ્લાય કરવાના અમેરિકાના આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને જણાવ્યું કે ચીન લશ્કરી નિકાસ બાબતે હંમેશા જવાબદાર રહ્યું છે.
ઇસ્લામાબાદ ટોક્સ નિષ્ફળ ગયાના ગણતરીના કલાકોમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને નાકાબંધીની જાહેરાત કરી હતી. ટ્રમ્પે લખ્યું, “તાત્કાલિક અસરથી યુનાઈટેડ સ્ટેટ્સ નેવી હોર્મુઝની ખાડીમાં પ્રવેશતા કે બહાર નીકળતા કોઈપણ જહાજને બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આ વિશ્વ પાસેથી વસૂલવામાં આવતી ખંડણી જેવી ચાલ છે અને અમેરિકા ક્યારેય તેની સામે ઝૂકશે નહીં.” અમેરિકી નેવી એવા દરેક જહાજને રોકશે જેણે ઈરાનને પસાર થવા માટે કોઈ ‘ટોલ’ (શુલ્ક) આપ્યો હોય. ઈરાને સમુદ્રમાં બિછાવેલી બારૂદી સુરંગોને અમેરિકા નષ્ટ કરવાનું શરૂ કરશે. જો કોઈ ઈરાની સૈનિક જહાજ પર ગોળીબાર કરશે, તો તેને સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવશે.
ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, “ઈરાનને ગેરકાયદે વસૂલાતનો ફાયદો લેવા દેવામાં આવશે નહીં. અમારી સેના પૂરી રીતે સજ્જ છે અને જો જરૂર પડશે તો ઈરાનનો જે કંઈ પણ બચેલો ભાગ છે તેને પણ ખતમ કરી દેવામાં આવશે.” 22 એપ્રિલની ડેડલાઈન પહેલા ટ્રમ્પના આ પગલાથી વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો છે અને ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાની આશંકા છે.


