Site icon Revoi.in

પાલનપુરમાં સિટી બસ સેવાનો પ્રારંભ, બોર્ડના પરીક્ષાર્થીઓ મફત મુસાફરી કરી શકશે

Social Share

પાલનપુર, 16 ફેબ્રુઆરી 2026: શહેરમાં મહા શિવરાત્રીના દિનથી સિટી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. સિટી બસ સેવાથી હવે લોકો શહેરમાં ગમે તે સ્થળે જવા માટે બસ સેવાનો ઉપયોગ કરી શકશે. સિટીબસના પ્રારંભે  એક સપ્તાહ માટે બહેનો માટે તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન છાત્રો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. રવિવારે ચાર બસો દોડાવવામાં આવી હતી. અને આજે સોમવારથી નવ બસો કુલ 18 રૂટ ઉપર દોડાવવામાં આવતા લોકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે.

પાલનપુર શહેરમાં શિવરાત્રિના દિવસે સિટીબસનો પ્રારંભ કરાયો હતો. જુની આરટીઓ કચેરી નજીકથી રાજ્યસભાના સાંસદ મયંક નાયકે જાતે બસ ચલાવી ગુરૂનાનક ચોક સુધી આવ્યા હતા. બસમાં ધારાસભ્ય અનિકેત ઠાકર,પાલિકા પ્રમુખ ચિમન સોલંકી, ટ્રાન્સપોર્ટ ચેરમેન ભારતીબેન રંગવાણી સહિત નગરસેવકો પાછળ બેસી ભારત માતાકી જયના સુત્રોચ્ચાર પોકાર્યા હતા.પાછળની બીજી સિટી બસમાં પાલનપુર વડિલ વિશ્રાંતિ ગૃહના 20 વડિલોને શિવરાત્રી પ્રસંગે વિનામૂલ્યે શિવજીના દર્શન કરાવવામાં આવ્યા હતા.

આ અંગે ટ્રાન્સપોર્ટ ચેરમેન ભારતીબેને જણાવ્યું હતુ કે, સિટીબસના પ્રારંભે સપ્તાહ માટે બહેનો માટે તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન છાત્રો રિસીપ્ટ બતાવી વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. બસોના રૂટ નક્કી કરી દેવામાં આવ્યા છે. જોકે, પીકઅપ સ્ટેન્ડ માટે સર્વે કરવામાં આવી રહ્યો છે.

Exit mobile version