જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણઃ લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને ઘેરાયો
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ સક્રિય થયાં છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પંપોરમાં દ્રાંગબલમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે સામ-સામે ગોળીબાર થયો હતો. સુરક્ષાજનોના નિશાના ઉપર લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર ઉમર મુશ્તાક સહિત બે આતંકવાદીઓ હોવાનું જાણવા મળે છે. અથડામણ વચ્ચે સામ-સામે ગોળીબારનો સિલસિલો હજુ પણ ચાલી રહ્યો છે.
કાશ્મીરના આઈજીપી વિજય કુમારએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર પોલીસના નિશાના ઉપર ટોપના દસ આતંકવાદીઓ છે જેમાં આતંકવાદી ઉમર મુશ્તાક ખાંડેનો પણ સમાવેશ થાય છે. કાશ્મીર ઝોનમાં પોલીસે ટ્વીટ મારફતે આતંકવાદી અંગે માહિતી આપી હતી અને આતંકવાદી કેટલો ખુંખાર કેટલો છે તેની જાણકારી આપી હતી.
આ એજ આતંકવાદી છે જેણે આઠ મહિના પહેલા શ્રીનગરમાં બે પોલીસ કર્મચારીઓની હત્યા કરી હતી. પોલીસના ટાર્ગેટમાં રહેલા 10 આતંકવાદીઓમાં સલીમ પારે, યુસુફ કાંતરુ, અબ્બાસ શેખ, રિયાઝ શેટરગંડ, ફારૂખ નાલી, ઝુબૈર વાની, અશરફ મૌલવી, શાકિબ મંજૂર, ઉમર મુસ્તાક ખાંડે અને વકીસ શાહનું નામ સામેલ છે. આઈજીપી વિજય કુમારએ જણાવ્યું કે, કાશ્મીરમાં અત્યાર સુધીમાં થયેલા આઠ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 11 જેટલા આતંકીઓને ઠાર માર્યાં છે.