Site icon Revoi.in

ગુજરાતના 10 બીચ પર સફાઈ અભિયાન હાથ ધરાયું, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ

Social Share

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ પ્રકારે ‘સ્વચ્છ ભારત અભિયાન’ હાથ ધરવામાં આવી રહ્યું છે.

‘સેવા પર્વ -2025’ અંતર્ગત તા. 20 મી સપ્ટેમ્બર 2025ના રોજ ‘આંતરરાષ્ટ્રીય દરિયાઈ સ્વચ્છતા દિવસે’ કેન્દ્ર સરકારની નેશનલ કોસ્ટલ મિશન સ્કીમ હેઠળ ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન- GEMI દ્વારા વિવિધ સંસ્થા-વિભાગોના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના અલગ અલગ 10 બીચ પર ‘સ્વચ્છતા અભિયાન’ હાથ ધરાયું હતું. જેમાં વિવિધ સ્વયંસેવકો દ્વારા અંદાજે 51.541  કિલો ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

દર વર્ષે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દરિયાકાંઠાને સ્વચ્છ અને કચરો મુક્ત રાખવા બાબતે જાગૃતિ લાવવાના હેતુ સાથે ‘આંતરરાષ્ટ્રીય દરિયાઈ સ્વચ્છતા દિવસ’ ઉજવવામાં આવે છે. દરિયા કિનારે આવેલા રાજ્યોમાં આ ઝુંબેશ દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણ તરફ વિશ્વનું ધ્યાન દોરીને તેના સંરક્ષણ અને સંવર્ધનના માર્ગને વધુ પ્રશસ્ત બનાવે છે.

વન,પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ મંત્રી  મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી  મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતના કુલ 10 બીચમાં ડુમ્મસ-સુરત, દાંડી, દ્વારકા, બેટ દ્વારકા, વેરાવળ ચોપાટી, પોરબદંર ચોપાટી, રાવલપીર-માંડવી, શિવરાજપુર, ઉમરગામ અને કોળીયાક- ભાવનગરનો સમાવેશ થાય છે. આ બીચ ખાતે વિવિધ સંસ્થાઓ જેમ કે ગેમી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વન વિભાગ, કોસ્ટ ગાર્ડ, સ્થાનિક વહીવટી તંત્ર, નગરપાલિકાઓ, બિન-સરકારી સંસ્થાઓ, શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ-શિક્ષકો, ઔદ્યોગિક એકમો તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા સક્રિય પણે ઉત્સાહપૂર્વક ભાગ લઇને આ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઇ અભિયાન થકી તમામ ૧૦ બીચ પરથી કુલ 51.541  કિલો ઘન કચરો એકત્ર કરી તેનો વિજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.

સફાઈ અભિયાન ઉપરાંત GEMI દ્વારા વિવિધ સ્થળોએ નુક્કડ નાટક, રેત શિલ્પ, ચિત્ર સ્પર્ધા દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ તેમજ દરેક બીચ ખાતે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ હાથ ધરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સેવા પર્વ-2025ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સહિત દેશભરમાં તા. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય તપાસ કેમ્પ તથા પર્યાવરણ જાગૃતિ જેવા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.