જલવાયુ પરિવર્તન માત્ર પર્યાવરણની રચનાને જ નહીં પરંતુ જંગલી અને માંસાહારી પ્રાણીઓના મહત્વના અંગો ખાસ કરીને યકૃત (લીવર)ના કાર્યને પણ અસર કરી રહ્યું છે. તાપમાન, વરસાદ અને ખોરાકની સાંકળમાં આવેલા બદલાવના કારણે હવે શિકારી પ્રજાતિઓમાં લિવર ટોક્સિસિટી, ઑક્સિડેટિવ તાણ અને મેટાબોલિક અસંતુલન જેવી સમસ્યાઓ વધી રહી છે.
ફ્રન્ટિયર્સ ઇન એન્વાયર્નમેન્ટલ સાયન્સ અને નેચર ઇકોલોજી એન્ડ ઇવોલ્યુશન માં પ્રકાશિત તાજેતરના અભ્યાસોએ દર્શાવ્યું છે કે, વૈશ્વિક ઉષ્ણતામાન (ગ્લોબલ વોર્મિંગ) ની સીધો અસર પ્રાણીઓના લિવર પર પડી રહ્યો છે. કેનેડા, અલાસ્કા અને સ્કેન્ડિનેવિયા ખાતે લાંબા ગાળાના ક્ષેત્ર અભ્યાસો દરમિયાન વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે, ધ્રુવીય રીંછ (પોલાર બેયર), આર્કટિક ફોક્સ, સીલ તથા ઈગલ અને હોક જેવા શિકારી પક્ષીઓના લિવરમાં બાયોએક્યુમ્યુલેટ થયેલા ઝેરી પદાર્થોની માત્રા ઝડપથી વધી રહી છે. આ સ્થિતિનું મુખ્ય કારણ છે કે, હિમસ્તરોના ઓગળવાથી ખોરાકની સાંકળમાં થયેલો ફેરફાર. જેના પરિણામે આ પ્રાણીઓ હવે વધુ પ્રદૂષિત અથવા દુષિત શિકાર ખાવા માટે મજબૂર બની રહ્યા છે.
લીવર એ શરીરનો એવો અગત્યનો અંગ છે જે ઝેરી પદાર્થોને નિષ્ક્રિય કરવા, ઊર્જા સંગ્રહ કરવા અને હોર્મોન સંતુલન જાળવવા માટે જવાબદાર છે. તાપમાનમાં સતત ઉતાર-ચઢાવ અને ખોરાકની ગુણવત્તામાં ઘટાડો થવાથી પ્રાણીઓના લિવર પર ઑક્સિડેટિવ તાણ વધતું જાય છે. અભ્યાસ મુજબ, ઘણા જંગલી પ્રાણીઓમાં લિપિડ પેરોક્સિડેશનની દર દોઢથી બમણી થઈ ગઈ છે, એટલે કે તાપમાન અને રાસાયણિક દબાણના કારણે તેમની કોશિકાઓ વધુ ઝડપથી નુકસાન પામી રહી છે. જે પ્રાણીઓનો લિવર સ્વાભાવિક રીતે મજબૂત અને અનુકૂલનક્ષમ ગણાતો હતો, તે પણ હવે પર્યાવરણના અસંતુલનના દબાણ સામે નબળો પડી રહ્યો છે.
ઉચ્ચ તાપમાનના કારણે લીવર એન્ઝાઇમની ગતિવિધી અસ્થિર થઈ રહી છે. કેટાલેઝ અને ગ્લુટાથિઓન પેરોક્સિડેઝ જેવા એન્ઝાઇમો જે સામાન્ય રીતે ઝેરી પદાર્થોને નિષ્ક્રિય કરે છે. હવે ગરમીના દબાણ હેઠળ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી, પરિણામે લીવરમાં સોજો, કોશિકાઓમાં નુકસાન અને ચરબીના થર જેવા અસરો વધી રહ્યા છે.
જલવાયુ પરિવર્તનના કારણે શિકારનો નમૂનો અને ખોરાકની ગુણવત્તામાં બદલાવ આવવાથી શિકારી પ્રાણીઓ હવે વધુ પ્રમાણમાં રાસાયણિક રીતે પ્રદૂષિત શિકાર ખાઈ રહ્યા છે. આથી પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પૉલ્યુટન્ટ્સ અને સીસું, પારો તથા કેડમિયમ જેવી ભારે ધાતુઓ તેમના લિવરમાં એકત્ર થવા લાગી છે. આ સ્થિતિ ફક્ત જંગલી પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ સમગ્ર ખાદ્ય સાંકળ અને પર્યાવરણીય સંતુલન માટે ગંભીર ચેતવણીરૂપ છે.

