
અમદાવાદઃ શહેર વિવિધ વિસ્તારોમાં તળાવો બનાવીને તેના બ્યુટિફિકેશન માટે લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હતો.વરસાદી પાણીથી તળાવો ભરવા માટે પણ કરોડોનો ખર્ચ કરાયો હતો. પણ અણઘડ આયોજનને લીધે તળાવો ભરાયા નથી. જે તળાવો કુદરતીરીતે ભરાયા છે, તેની યોગ્ય સારસંભાળ રાખવામાં આવતી નથી. શહેરની ઓળખ સમા જૂના અને સૌથી મોટા ચંડોળા તળાવની પરિસ્થિતિ કંઈક જુદી છે. તંત્રની બેદરકારીના કારણે ચંડોળા તળાવમાં ગંદકીના થર જોવા મળે છે. દર વખતે અમદાવાદ મ્યુનિસિપાલિટીના બજેટમાં તેની સ્વસ્છતા અને સાચવણી માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવાય છે. જો કે તળાવમાં ગંદકી ક્યારેય દુર થયેલી જોવા મળતી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં આવેલુ ચંડોળા તળાવ શહેરની ઓળખ છે. તળાવમાં પાણી પ્રવેશવાના રસ્તે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો જામી ગયો છે. આ ઉપરાંત આખા તળાવમાં લીલી વનસ્પતિઓ ઉભી થતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં બીમારીનો ફેલાવો થવાનો લોકોને ડર છે. તંત્ર પણ આંખ આડા કાન કરતું હોય તેમ આ તળાવમાં કોઈ પણ સ્વચ્છતા કાર્યો કરવામાં ન આવતા આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ મ્યુનિસિપાલિટીના બજેટમાં શહેરના પ્રવેશ માર્ગોના સૌંદર્યીકરણ માટે ૩ કરોડની જોગવાઇ કરાઇ છે. આ બાબત અગાઉના બજેટમાં પણ કરાઇ હતી. પરંતુ આજદિન સુધી તે કામ થયા નથી. ગામ તળાવના વિકાસ માટે પણ અગાઉના બજેટમાં જોગવાઇઓ હતી પરંતુ નવાઇની વાત એ છે કે પૂર્વ અમદાવાદમાં મોટાભાગના તળાવોનો વિકાસ કરાયો નથી. ચંડોળા તળાવના વિકાસ માટે દર બજેટમાં જોગવાઇઓ કરાય છે, કરોડો રૂપિયા ફાળવાય છે, આ વખતે પણ ૩ કરોડ ફાળવાય છે પરંતુ ચંડોળા તળાવની દશા બદલાઇ નથી. (file photo)